
ઉનાળો શરૂ થતાની સાથે જ આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલી સરકારી શાળા નંબર એકમાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે. શાળામાં મધ્યાહન ભોજનની તૈયારી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતાં આગ લાગી હતી. જેથી વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતાં. જો કે, સદનસીબે તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં.
વિદ્યાર્થીઓને સુરક્ષિત ખસેડાયા
શાળાના આચાર્યના જણાવ્યા મુજબ, બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ગેસ સિલિન્ડર લીક થતાં આગ ફાટી નીકળી હતી. શાળામાં અભ્યાસ કરતા 190 વિદ્યાર્થીને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ અને શાળાના શિક્ષકોએ ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ આવી કાબુમાં
અંકલેશ્વર નગર સેવાસદનની ફાયર બ્રિગેડની ટીમ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે તે પહેલાં જ આગ કાબુમાં આવી ગઇ હતી.આ ઘટનામાં ગરમી આગનું કારણ હોવાનું પ્રાથમિક અનુમાન છે.