
Bharuch News : ભરુચ શહેર જિલ્લામાં સાંજ થતાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદ વચ્ચે પાદરીયા ગામમાં વીજળી પડતા ત્રણના મોત થયા હતા તેમજ બે લોકો દાઝી ગયા હતા.
વાગરાથી મોટરસાયકલ લઇ પોતાના ગામ ચોરદા જતાં માર્ગમાં ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતા હબીબભાઈ મલેક તેમના પુત્ર શકીલ તેમજ કરણ ગામના મનીષ સુરેશ વસાવા સહિત અન્યો સાથે વરસાદથી બચવા પાદરીયા ગામ નજીક કેનાલ પાસે બુલેટ ટ્રેનના બ્રિજ નજીક વડના ઝાડ નીચે ઊભા રહ્યા હતા.
આ દરમિયાન વડના ઝાડ પર વીજળી પડતા નીચે ઉભેલા પાંચ લોકો માંથી 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા તેમજ 2 લોકો દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામને પાલેજ સમુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યા હતા.
પાલેજ સમુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના તબીબે હબીબભાઈ મલેક, તેમના પુત્ર શકીલ તેમજ કરણ ગામના મનીષ સુરેશ વસાવાને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બે દાઝેલા ઓને વધુ સારવાર માટે ભરુચ ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.