
Botad news: છેલ્લા ત્રણ મહિનામાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં લાખનો સરકારી અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવે છે. આ ઉપરાંત આખા કૌભાંડમાં ક્યાંક તંત્રની મિલીભગત પણ નીકળતી હોય છે. બોટાદ જિલ્લામાં આવેલા ગઢડા તાલુકાના ઉમરડા ગામમાંથી સરકારી અનાજ ઘઉં, ચોખા ભરેલી ટાટા જીપને ઢસા પોલીસ અને ગઢડા મામલતદારે ઝડપી પાડયો હતો.
મળતી વિગતો અનુસાર, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉમરડા ગામે આજે સવારે તંત્રને મળેલી બાતમીના આધારે ઢસા પોલીસ તેમજ ગઢડા મામલતદારે વૉચ ગોઠવી હતી. જેમાં એક ટાટા જીપમાં ગરીબોના હક્કનું અનાજ જેમાં ચોખા અને ઘઉં ભરીને લઈ જવાતો હતો. જે બાદ પોલીસે આ જીપની તપાસ કરતા સરકારી અનાજનો છ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાહનચાલક દામનગરથી આવી ઘરે-ઘરે જુદાજુદા ગામડાઓમાં અનાજનો જથ્થો ઉઘરાવતા હોવાનો સ્વીકાર કર્યો હતો.