
ગુજરાતભરમાંથી સતત હત્યાના બનાવ સામે આવી રહ્યા છે એવામાં બોટાદમાંથી પણ હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બોટાદ જિલ્લામાં ભગવાનપરા વિસ્તાર પાસે યુવકની કરપીણ હત્યાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં કિશોરભાઈ વિનુભાઈ જતાપરા નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે.
સાસરી પક્ષ દ્વારા હત્યા કરાઈ હોવાનો બહેને આક્ષેપ
મળતી માહિતી પ્રમાણે, કોઈ શખ્સે છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી યુવકની હત્યા કરી હતી. હત્યા થવા અંગે મૃતકના બહેનનું નિવેદન સામે આવ્યું હતું જેમાં યુવકના સાસરી પક્ષ દ્વારા હત્યા કરાઈ હોવાનો બહેને આક્ષેપ લગાવ્યો છે. યુવકની પત્ની ઘણા સમયથી રિસામણે હોવાના કારણે પત્નીના પરિવાર સાથે વારંવાર ઝઘડો થતો હતો.
સાસરિયાની અટકાયત ન થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વિકાર નહીં
મૃતક યુવકના સસરા, સાસુ, સાળા સહિતના તમામની અટકાયત નહીં થાય ત્યાં સુધી મૃતકના પરિવારે મૃતદેહને લેવાનો ઇનકાર કર્યો છે. જો કે, હાલ તો યુવકના મૃતદેહને બોટાદની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોટર્મ અર્થે ખસેડવામાં આવ્યો છે.