
છોટાઉદેપુરની નગરપાલિકાની ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે. ત્યારે આ ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. તેમ છતાં ચૂંટણીના પરિણામથી ભાજપ-બસપાના કાર્યકરો આમને સામને આવી ગયા છે. પુરોહિત ફળિયામાં બસપા અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉકળતો ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસે ટોળાં વિખેર્યા
છોટાઉદેપુરના પુરોહિત ફળિયામાં બસપા અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતાં. લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. બસપા અને ભાજપના ઉમેદવારો આમને સામને રહેતા હોવાથી પુરોહિત ફળિયામાં અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. જેથી પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ વિસ્તારોમા પોલીસ કોઈ ઘટના ન બને તે માટે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો ટોળાને વિખેરવાના પોલીસના પ્રયાસો સફળ રહ્યા છે.