
છોટાઉદેપુર જિલ્લાના જલોદા ગામમાં મોડી રાત્રે એક દહેશતભરી ઘટના સામે આવી છે, જ્યાં એક દીપડાએ ઘરમાં ઘૂસીને ચાર વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જલોદા ગામમાં રહેતા જશવંત રાઠવાના ચાર વર્ષના પુત્ર ક્રિશ રાઠવા ઉપર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. ઘટનાના સમયે પરિવાર નવું મકાન બનાવીને તેમાં રહેતો હતો, પરંતુ મકાનમાં દરવાજા ન લાગેલા હોવાથી રાત્રે દીપડો ઘરમાં પ્રવેશી ગયો.
સૂતેલા બાળક પર હુમલો
અચાનક ઘરમાં ઘૂસેલા દીપડાએ સૂતાં બાળક પર હુમલો કર્યો હતો. બાળકની ચીસો અને પરિવારજનોની બૂમાબૂમ સાંભળી ગામના લોકો દોડી આવ્યા. લોકોએ ચાલાચાલી કરતાં દીપડો ઘટના સ્થળેથી જંગલ તરફ ભાગી ગયો.આ ઘટનામાં નાનકડા ક્રિશને ગંભીર ઇજાઓ પહોચતાં તેને તરતજ 108 એમ્બ્યુલન્સ દ્વારા છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં હાલ તેનું સારવાર ચાલી રહી છે.
ગામજનોની માગ
ઘટનાની જાણ વનવિભાગને કરાઈ છે. લોકો ઈચ્છી રહ્યા છે કે, દીપડાને પકડવા માટે પાંજરા પાથરવામાં આવે. ગ્રામજનોએ રાત્રે સુરક્ષા વધારવાની માંગ ઉઠાવી છે અને આવા બનાવોને અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે.