
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મુખ્યમંત્રી સડક યોજનામાં તેમજ અન્ય યોજનાઓમાં વર્ષોથી ડામર રસ્તા જર્જરિત બન્યા હતા. તે ડામર રસ્તા ઉપર નવેસરથી રી-સરફેસિંગ કરવા માટે રાજ્યસરકાર દ્વારા ગ્રાન્ટ ફળવાતાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરો બહાર પાડતા નસવાડી તાલુકાના 45 જેટલા ગામડાઓને જોડતા રસ્તા રિસરફેસિંગ કરવા માટે મંજૂર કરવામાં આવ્યા હતાં. જેનું કામ વડોદરાની નિયતિ કન્ટ્રક્શનને આપવામાં આવ્યું હતું. જેનો વર્ક ઓર્ડર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે જાન્યુઆરી 1/1/2025 ના રોજ આપવામાં આવ્યો હતો. વર્ક ઓર્ડર આપે 70થી વધુ દિવસો વીતી જવા છતાંય હજુ સુધી કામગીરી ડામર રસ્તાની શરુ કરવામાં આવી નથી.
ખખડધજ રસ્તા
આ કામ કરવા માટે 6 માસથી વધારે સમય લાગે તેમ છે. એજન્સીએ હજુ સુધી કામગીરી શરુ ન કરતા આદિવાસી વિસ્તારના લોકો જર્જરિત રસ્તાથી વર્ષોથી હેરાન પરેશાન થઇ રહ્યા છે. સરકારે ગામડાઓના રસ્તા સારા બને તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ હજુ સુધી કામગીરી ના શરુ કરાતા આગામી ચોમાસામાં અનેક ગામડાઓ ખખડજ રસ્તાઓ ઉપર અવરજવર કરવા માટે મજબુર બનશે.
કામગીરી શરૂ થતી નથી
નસવાડી તાલુકામાં અનેક રસ્તાઓ સમય મર્યાદામાં પુરા થતા નથી. લોકોને હાડમારી ભોગવવી પડે છે. નસવાડી તાલુકાના ધારસિમેલ હરખોડ કુંડાનો રસ્તો સમય મર્યાદા પૂર્ણ થયે 11 માસ વીતી જવા છતાંય હજુ સુધી કામગીરી પૂર્ણ થઇ નથી. જે રસ્તાઓ નવા મંજૂર થયા છે. તેમાં અનેક ગામડાઓમાં 10 વર્ષ પહેલા રસ્તા બન્યા હતા. તે રસ્તાઓ ઘસાઈ ગયા છે. અકસ્માતની ઘટનાઓ બને છે.