છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોની મંજૂરી વગર ખેડૂતોની જમીનમાં પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. જેથી ખેડૂતોએ સુત્રોચ્ચાર કર્યા અને પાઈપલાઈન નાખવાની કામગીરી અટકાવી હતી. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ગ્રામજનો બોલાવતા તેઓ આવ્યા જ નહિ. અગાઉ ખેડૂતોના ખેતરોમાં નાખેલી પાઈપલાઈન લીકેજ થાય છે. ત્યારે ખેતરમાં વાવેલો પાક બગડી જાય છે. ખેડૂતોને ભારે નુકશાન થાય છે. કોન્ટ્રાક્ટરના માણસો ખેડૂતોને ધમકાવી સરકારની મંજૂરી હોવાની ખોટી જાણકારી આપીને ખોદકામ કરતા હતા જેના લીધે હોબાળો મચ્યો હતો.
રજૂઆતો ન સંભળાઈ
નસવાડી તાલુકાના પોચમ્બા પાણી પુરવઠા યોજનામાં 44 ગામો માટે સુધારણા યોજના મંજૂર કરીને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાઈપલાઈન રોડની સાઈડમાં નાખવાની જગ્યાએ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે. જેથી ખોડિયા ગામના ખેડૂતોએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવતા અધિકારીઓ આવ્યા ના હતા. કોન્ટ્રાક્ટરના ઈજેનરો ખેડૂતોની રજૂઆત ન સાંભળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતો જેસીબીની આગળ ફરી વળ્યાં હતા.
કામગીરીનો વિરોધ
પાણીપુરવઠા વિભાગના અધિકારીઓએ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર આડેધડ ખેડૂતોના ખેતરો ખોદી નાખતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. જયારે ખેડૂતોનો આક્ષેપ હતો કે, અગાઉ અમારા ખેતરોમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઈપ લાઈન નાખવામાં આવી તે પાઈપલાઈન લીકેજ છે. તેને રીપેર કરવામાં આવતી નથી. ખેતરમાં વાવણી કરેલ મોલ પાણીના કારણે મરી જાય છે. ખેતરમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અધિકારીઓ જોવા માટે આવતા નથી. આ ખેડૂત ત્રણ વર્ષથી ખેતી પકવી શકતો નથી. તેને કોઈ પણ જાતનું વળતર આપવામાં આવ્યું નથી. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાણીની લાઈનો નાખી અને ગયા બાદ પાછા વળીને જોતા નથી. ખેડૂતો હેરાન પરેશાન થાય છે. જયારે અધિકારીઓએ સાઈડ ઉપર આવીને ખેડૂતોની સમસ્યા સાંભળવી જોઈએ. હાલ તો ખેડૂતો પાઈપલાઈન નાખવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. પોલીસને પણ જાણ કરવાની ખેડૂતોએ ચીમકી આપી છે.