
છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડું અઠવાડિયામાં બે વખત આવ્યું છે. જેથી તલ-બાજરી અને અન્ય પાકોને નુકસાન પહોંચ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સર્વે કરવાની કામગીરી હાથ ના ધરાતા ખેડૂતો અધિકારીઓની રાહ જોઈને ખેતરોમાં બેસી રહે છે. જો કે કોઈ ન આવતું હોવાથી તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તલનો પાક કાળો પડી ગયો
નસવાડી તાલુકામાં ઉનાળાની ઋતુમાં ખેડૂતો તલનું વાવેતર મબલખ પ્રમાણમાં કરાયું હતું. તલનો પાક લણવાનો સમય આવ્યો હતો. કેટલાક ખેડૂતો તલ કાપીને પૂળા બાંધી ખેતરમાં સૂકવવા માટે મુક્યા હતા. અમુક ખેતરોમાં તલનો પાક ઉભો છે. વાવાઝોડું ફુંકાતા તલના ઉભા છોડવાઓ જમીન દોસ્ત થયા છે. ખેડૂતોએ સૂકાવવા મુકેલા તલને વરસાદનું પાણી લાગતા તલની સીંગો તાપ પડશે તેમ તેની જાતે જ ફાટી જશે અને તલ કાળા પડી જશે.
ખેડૂતોમાં મૂંજવણ
આદિવાસી વિસ્તારના ખેડૂતો ઉનાળામાં તલની ખેતી કરે છે. તેમાંથી તે કમાણી થાય તેનાથી બાળકોના શિક્ષણનો ખર્ચ અને ચોમાસાની ખેતી માટે ખરીદી કરતા હોય છે. ત્યારે આ ખેડૂતોને કમોસમી વરસાદમાં તલના પાકમાં નુકશાન થતા હાલ ખેડૂતો પાયમાલ થયા છે. ચોમાસામાં ખેતી કેવી રીતના કરશે તે પ્રશ્નથી ખેડૂતો મૂંઝાઈ રહ્યા છે. જયારે સર્વેની ટીમો આવતી નથી. તલની ખેતીમાં ખેડૂતોને ભારે નુકશાન છે. ત્યારે અધિકારીઓએ વહેલી તકે સર્વે કરાવીને ખેડૂતોને સહાય મળે તેવું કરાવવું જોઈએ તેવી માગ ઉઠી છે.