
ધો.12 સાયન્સ પછીના મેડિકલ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની યુજી નીટના પરિણામમાં ગત વર્ષે છબરડા બાદ આ વર્ષે પણ છબરડાની ફરિયાદો ઉઠી છે. અગાઉ અમદાવાદની એક વિદ્યાર્થિનીના માર્કસ 415ને બદલે 115 થઈ ગયા હોવાની ફરિયાદ બાદ વઘુ બેથીત્રણ વિદ્યાર્થીઓના માર્ક્સમાં પણ ફેરફાર થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે હવે આગામી દિવસોમાં મામલો કોર્ટમાં પણ પહોંચે તેવી શક્યતા છે.
એનટીએ દ્વારા લેવાયેલી નીટનું ગત 14 જુને પરિણામ જાહેર થયા બાદ હાલ રાજ્યમાં મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલી રહ્યુ છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ-વાલીઓની પરિણામમાં માર્ક્સ ફેરબદલીની ફરિયાદ ઉઠી છે. ભવ્ય મકવાણા નામના એક વિદ્યાર્થિની તો ઓનલાઈન જુદી જુદી માર્કશીટ નીકળી હોવાનું સામે આવ્યુ છે.
વિદ્યાર્થીના પિતાએ કરેલી ફરિયાદ મુજબ રિઝલ્ટના દિવસે ઓનલાઈન પરિણામ ચેક કરાતા 720માંથી 415 માર્ક્સ હતા અને કાઉન્સેલિંગ સમયે 115 માર્ક્સ ઓનલાઈન દેખાતા અને બે દિવસ પહેલા ચેક કરતા 720માંથી 500 માર્ક્સ હતા અને હવે 550 માર્કસ છે. આમ ચારેય જુદા જુદા માર્ક્સ સાથેની ઓનલાઈ માર્કશીટ ડાઉનલોડ થઈ છે. જો ખરેખર આ રીતે
માર્ક્સ બદલાતા હોય તો ખરેખર આ કોઈ મોટો છબરડો કે ગોટાળો હોવાની પણ ચર્ચા છે.
આ મુદ્દે એનટીએને પણ ઓનલાઈન ફરિયાદ થઈ છે અને આગામી સમયમાં વાલીઓ દ્વારા આ મુદ્દે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામા આવે તેવી શક્યતા છે. હાલ મેડિકલ પ્રવેશ માટેનું રાજ્યમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ છે અને મેરિટ જાહેર થયુ નથી તેમજ પ્રવેશ ફાળવણી શરૂ થઈ નથી ત્યારે ગુજરાતના ૩થી4 વિદ્યાર્થીના આ રીતે નીટમાં માર્ક્સ બદલાઈ જવાની ફરિયાદોને પગલે એનટીએ સામે ફરી વિરોધ ઉભો થયો છે.