
સુરત શહેરમાંથી માતા-પિતા માટે એક અત્યંત ચેતવણીરૂપ અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. સચિન વિસ્તારમાં એક 2 મહિનાની માસૂમ દીકરીનું સ્તનપાન કરાવ્યા બાદ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ બાળકીના પરિવારને ઊંડા શોકમાં ગરકાવ કરી દીધો છે અને સ્તનપાન કરાવતી માતાઓ માટે ગંભીર સાવચેતી રાખવા પર ભાર મૂક્યો છે.
શું બન્યું હતું?
પ્રાપ્ત માહિતી અનુસાર, સચિન ખાતે રહેતા મૂળ બિહારના સંજિત પાસવાનની 2 માસની દીકરીને માતાએ રાત્રે સ્તનપાન કરાવ્યું હતું. દૂધ પીવડાવ્યા બાદ માતા સૂઈ ગઈ હતી, જ્યારે બાળકી થોડીવાર રમતી હતી. સવારે જ્યારે માતા ઊઠી ત્યારે તેણે પોતાની એકની એક દીકરીને બેભાન અવસ્થામાં જોઈ. આ દ્રશ્ય જોતા જ માતા પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.તાત્કાલિક બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. એકની એક દીકરીના અવસાનથી સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે. બાળકીના માતાના હૃદયદ્રાવક કલ્પાંતથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ
બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, બાળકીનું મોત દૂધ ગળામાં ફસાઈ જવા અથવા શ્વાસ અવરોધાવાને કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોતનું સાચુ કારણ સામે આવશે. આ કિસ્સો સ્તનપાન કરાવતી માતાઓ માટે એક ગંભીર ચેતવણીરૂપ બન્યો છે.
માતાઓ માટે ગંભીર ચેતવણી અને તબીબી સલાહ
તબીબો દ્વારા સ્તનપાન કરાવતી વખતે નીચે મુજબની કાળજી રાખવાની વિશેષ સલાહ આપવામાં આવે છે. સ્તનપાન કરાવતી વખતે બાળકના માથાને પેટના સ્તર કરતા સહેજ ઊંચું રાખવું જોઈએ, જેથી દૂધ સરળતાથી ગળામાં ઉતરી શકે અને શ્વાસનળીમાં જવાની શક્યતા ઘટે. દૂધ પીવડાવ્યા બાદ તરત જ બાળકને સુવડાવવાને બદલે, તેને ઓછામાં ઓછી 15-20 મિનિટ સુધી સીધું પકડી રાખવું જોઈએ અથવા ખભે રાખી ધીમે ધીમે પીઠ થાબડવી જોઈએ, જેથી દૂધ નીચે ઉતરી જાય અને જો ઓડકાર આવે તો હવા નીકળી જાય. બાળકને સ્તનપાન કરાવતી વખતે માતાએ સંપૂર્ણપણે જાગૃત અવસ્થામાં રહેવું અત્યંત હિતાવહ છે. થાક કે ઊંઘમાં સ્તનપાન કરાવવાથી બાળકને દૂધ ગળામાં ફસાઈ જવાનો કે શ્વાસ રૂંધાવાનો ભય રહે છે.આ કિસ્સો માતા-પિતા માટે એક મોટી ચેતવણી છે કે બાળકોની સંભાળમાં જરા પણ બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે. નાની નાની સાવચેતીઓ અપનાવીને આવી દુર્ઘટનાઓને ટાળી શકાય છે.