
હાલમાં જ જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં અનેક નિર્દોષ લોકોના જાન ગયા બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી છે. આ ઘટનાના વિરોધમાં દમણ શહેરમાં મુસ્લિમ યુવકો દ્વારા એક ઉગ્ર અને અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું હતું.મુસ્લિમ અગ્રણી વસીમ સૈયદની આગેવાનીમાં દમણના વિવિધ વિસ્તારોમાંથી મુસ્લિમ યુવકો એકઠા થયા હતા.
અસલ ઈસ્લામ શાંતિનો પાયો
જાહેર રસ્તા પર તેઓએ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને દોરીને પોતાની અંદરની ઘૃણા અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત યુવાઓએ "પાકિસ્તાન મુર્દાબાદ", "આતંકવાદ દફન થવો જોઈએ", "હમલા કરનારો પાકિસ્તાન, મિત્ર નહીં શત્રુ છે" જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે નારેબાજી કરી હતી.વિરોધ દર્શન દરમિયાન વસીમ સૈયદે જણાવ્યું હતું કે, “અસલ ઇસ્લામ શાંતિનો પાયો છે. જે આતંકના માર્ગે ચાલે છે, તેઓ માત્ર ધર્મને બદનામ કરે છે. આપણું દેશપ્રેમ અને શાંતિમાં વિશ્વાસ અમારો સાચો મઝહબ છે. પાકિસ્તાન અને ત્યાંની આતંકી ગતિવિધિઓ વિરુદ્ધ સમગ્ર મુસ્લિમ સમાજ એકઝૂટ છે.”
જડબાતોડ જવાબ આપવા માગ
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સ્થાનિક વેપારીઓ તેમજ સામાજિક કાર્યકરોની પણ ઉપસ્થિતિ રહી હતી. યુવાનોએ ભારત સરકાર પાસે માગ કરી કે જે પણ તત્વો દેશની અખંડતા સામે પડ્યાં છે. તેઓને યોગ્ય અને જડબાતોડ જવાબ આપવો જોઈએ.વિરોધ પ્રદર્શન દરમિયાન શાંતિપૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહી હતી.