
દમણની દલવાડા ગૌશાળામાં એક બે નહીં પણ 50થી વધુ ગાયોના રહસ્યમય રીતે મોત નિપજ્યા છે. આ બનાવના પગલે ગૌપ્રેમીઓમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. જોકે મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ ઝેરી પદાર્થના કારણે મોત થયા હશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણની દલવાડા ગૌશાળામાં શનવારની રાત્રિએ 50થી વધુ ગાયોના રહસ્યમય રીતે મોત નિપજતા એક કરુણ ઘટના બની છે. ગૌશાળાના સ્ટાફે ગૌશાળાનું નિરીક્ષણ કર્યું ત્યારે તેમને એક પછી એક મૃત ગાયો જોવા મળી હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. બીજી તરફ આ બનાવની જાણ થતા વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
દોષિતોને કડક સજા આપવામાં આવશે
આ ઘટના અંગે દમણના રહીશોએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. વહીવટીતંત્ર પાસે તાત્કાલિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે. પ્રશાસને પણ આશ્વાસન આપ્યું છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને દોષિતોને કડક સજા આપવામાં આવશે.
આ બનાવના પગલે ગાયોની સલામતી અને સંભાળને લગતા ઘણા પ્રશ્નો ઉભા કરે છે, અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગાયના આશ્રયસ્થાનોમાં બહેતર વ્યવસ્થાપન અને સલામતીનાં પગલાં સુનિશ્ચિત કરવાની માગ ઉઠી છે.