પ્રસિદ્ધ ગુજરાતી લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ એક ડાયરામાં ડાંગના જંગલો માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લેવાય છે અને કપડા પણ રહેવા દેતા નથી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
એક લોકડાયરામાં રાજભા ગઢવી દુનિયાભરના જંગલોમાં લૂંટફાટની ઘટનાઓ વિશે વાત કરી રહ્યા હતા. રાજભા ગઢવીએ ડાયરાના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ડાંગ આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડા પણ રહેવા દેતા નથી. લોક ડાયરામાં રાજભા ગઢવીએ ગૌરવ લેતાં જણાવ્યું કે આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે ભુલા પડો તો નેહડા વાડા આડા ફરી જમાડવા માટે લઈ જાય.
લોક ડાયરામાં રાજભા ગઢવીએ ડાંગના જંગલો માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ડાંગના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. બીજી તરફ ડાંગના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીનું નિવેદન સામે આવ્યું છે. રાજભા ગઢવી વિવાદાસ્પદ ટિપ્પણી પાછી ખેંચે અને અમારી પ્રજા પાસે માફી માગે નહીં તો આવનારા દિવસોમાં આ મુદ્દે આવેદનપત્ર આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ડાંગના સામાજિક કાર્યકર સ્નેહલ ઠાકરે આ વાયરલ વીડિયોને લઈ ડાંગ જિલ્લા આદિવાસી સમાજ વતી આ બાબતે તાત્કાલિક ધોરણે એટ્રોસિટી એકટ મુજબ FIR કરી ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી છે.