
ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં થયેલા કમોસમી વરસાદે ડાંગ જિલ્લામાં પણ અણધારી ખુશી લાવી દીધી છે. એક સપ્તાહથી ભારે વરસાદને પગલે ડાંગના કેટલાક વિસ્તારોમાં કવળી નામની ભાજી ઉગી નીકળી છે, જે સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં જોવા મળે છે. આ અણધારી ભેટ મળતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
ભાજીને બારણા પર મૂકાય છે
સામાન્ય રીતે કવળીની ભાજી જૂન મહિનાની શરૂઆતમાં, ચોમાસાના પ્રથમ વરસાદ બાદ ચાર-પાંચ દિવસમાં નીકળે છે. પરંતુ આ વખતે કમોસમી વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં તે વહેલી જોવા મળી છે.ખાતર વગર કુદરતી રીતે ઊગી નીકળતી આ ભાજીને પ્રથમ વરસાદમાં જ ખાવા મળતા લોકો રોમાંચિત થઈ ગયા હતા.કવળીની ભાજીને સ્થાનિક ભાષામાં 'કુમળીની ભાજી' તેમજ 'સફેદ મુસળી'ના નામે પણ ઓળખવામાં આવે છે. આ ભાજી પર સફેદ રંગના સુંદર ફૂલો પણ જોવા મળે છે. ડાંગમાં જ્યારે આ ભાજી પહેલીવાર નીકળે છે ત્યારે ગામના લોકો તેને ઘરના બારણા ઉપર મૂકી પોતાના પૂર્વજોને યાદ કરે છે.અને ત્યારબાદ તેનો ઉપયોગ રસોઈમાં ઉપયોગ કરવાનું શરૂ કરે છે.
ગેરકાયદે વેપાર સામે પગલાં જરૂરી
આ ભાજીમાંથી સ્વાદિષ્ટ શાક, ગોટા અને મુઠીયા જેવી વાનગીઓ બનાવવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે સફેદ મુસળી એક વનસ્પતિજન્ય પેદાશ છે, જેની ઔષધીય બજારમાં ખૂબ જ માંગ રહે છે.ચોમાસાની શરૂઆતનાં વરસાદમાં નીકળતી આ શક્તિવર્ધક કવળીની ભાજી ડાંગમાં ખૂબ જ લોકપ્રિય છે.એવું માનવામાં આવે છે કે ચોમાસાના ભારે વાતાવરણમાં આ ભાજી અહીંના લોકોને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે.આ ભાજી મુખ્યત્વે બે પ્રકારની હોય છે - સફેદ (આછા લીલા રંગની અને મીઠી) અને કાળી (ઘેરા લીલા રંગની અને કડવી). જો કે બંને પ્રકારની ભાજી ખાદ્ય હોય છે,પરંતુ ડાંગના લોકો સફેદ ભાજીને વધુ પસંદ કરે છે.આમ, કમોસમી વરસાદે ડાંગના લોકોને અણધારી ભેટ આપી છે, સફેદ મુસળીના ગેરકાયદેસર વેપારને કારણે ભવિષ્યમાં આ કુદરતી સંપદા જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યા છે.