
દેવભૂમિ દ્વારકાના પાદરમાં ખાનગી બસ તથા બે કાર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત મુસાફરોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં હતા, જ્યારે 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે વાહનોના ફૂરચા બોલી ગયા હતા.
ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત
આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં મૃતકોમાં બે માસૂમ બાળક પણ સામેલ છે. મળતી વિગતો મુજબ મોટાભાગના મૃતકો ગાંધીનગરના કલોલ તાલુકાના પલસાણા ગામના રહેવાસી છે.
મૃતકોના નામ
1. હેતલબેન અર્જુનભાઈ ઠાકોર (ઉં.વ.28, રહે.ગામ, પલસાણા કલોલ, ગાંધીનગર)
2. પ્રિયાંશી મહેશભાઈ ઠાકોર (ઉં.વ.18, રહે. ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર)
3. તાન્યા અર્જુભાઈ ઠાકોર (ઉં.વ.3) ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર)
4. રિયાજી કિશનજી ઠાકોર (ઉ.વ. 2, રહે. ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર)
5. વિરેન કિશનજી ઠાકોર (ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર)
6. ચિરાગ રાણાભાઈ બારિયા (ઉં.વ.26, રહે. બરડીયા, તા દ્વારકા)
7. એક અજાણી મહિલા
આ ઘટનાના પગલે સમગ્ર દ્વારકા જિલ્લાની રેસ્ક્યૂ ટીમ, ડોક્ટરો, સેવાભાવી કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી. પાંચ લોકો ખંભાળિયા સિવિલમાં તેમજ અન્ય ચાર લોકો દ્વારકા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તંત્ર દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જામનગરથી ખાસ સર્જન ડોકટરોની ટીમ પણ બોલાવવામાં આવી હતી.