
ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.ત દ્વારકામાં ગત રોજ તોફાની પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન, વરસાદને લીધે દ્વારકાધીશજી મંદિરના શિખર પર ધ્વજા ચડાવવી સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી બનતા વૈકલ્પિક જગ્યાએ બાવનગજની ધ્વજા ચડાવાઇ હતી, જ્યારે ગોમતી ઘાટે મોટાં મોજા ઉછળ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવાર ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ હતી. બપોર સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડયો હતો.
જગત મંદિરના શિખર ઉપર સુરક્ષાની દ્રષ્ટિએ મંદિરના શિખર ઉપર ચડવું જોખમી બન્યું
સવારે ભારે પવન સાથે વરસાદ હોવાથી જગત મંદિરના શિખર ઉપર સુરક્ષાની દ્રષ્ટિએ મંદિરના શિખર ઉપર ચડવું જોખમી બન્યું હતું. તેથી ભગવાન દ્વારકાધીશની ૫૨ ગજની ધ્વજાજી વૈકલ્પિક જગ્યાએ ચડાવવામાં આવી હતી.
ગોમતીઘાટ ઉપર 12થી 15 ફૂટ ઊંચા ઊંચા મોજા ઉછળ્યા
ઉલ્લેખનીય છે કે જ્યારે ભારે પવન અને વરસાદી માહોલ હોય ત્યારે ભગવાન દ્વારકાધીશને ધ્વજાજી વૈકલ્પિક જગ્યાએ ચડાવાય છે. વરસાદના પગલે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયો ગાંડોતુર થયો હોય તેમ ગોમતીઘાટ ઉપર 12થી 15 ફૂટ ઊંચા ઊંચા મોજા ઉછળ્યા હતા તેમજ ઘાટ ઉપર તે પાણી વહેતા થયાના દ્રશ્યો કેદ થયા હતા.