
Weather news: ગુજરાતમા નૈઋત્યના ચોમાસાના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરિયા કિનારા પર ચોમાસા પહેલાની ગતિવિધિઓ શરૂ થઈ ચુકી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં છેલ્લા બે દિવસથી ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. દરિયામાં કરન્ટને લીધે ગોમતી નદીમાં 15થી 20 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કેરળ રાજ્યમાં બે દિવસ અગાઉ સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. જ્યારે આજે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનો વિધિવત્ રીતે પ્રારંભ થયો છે. જેથી હવે ગુજરાતમાં ચોમાસા આડે ગણતરીના દિવસો બાકી હોવાથી રાજ્યના દરિયા કિનારે કરન્ટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ભારે પવન અને વરસાદી માહોલ છવાયો છે. જેથી બેથી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. સરવાળે લોકોને ગરમીથી થોડી રાહત અનુભવાઈ રહી છે. દેવભૂમિ દ્વારકાના અરબી સમુદ્રમાં સતત બે દિવસથી કરન્ટ જોવા મળી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ દ્વારકાની ગોમતી નદીમાં મોછા ઉછળતા ગોમતીઘાટે સહેલાણીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
દ્વારકાના અરબી સમુદ્ર પાસે આવેલ સંગમ ઘાટસ, લાઇટ હાઉસ, ગોમતીઘાટમાં દરિયા કિનારે ઉંચા મોજાં ઉછળી રહ્યા છે. ગોમતી ઘાટ પર મોજાં ઉછળતા હોય ત્યારે કોઈ જાનહાનિ ન થાય તેને ધ્યાનમાં લઈને નગરપાલિકા ફાયર જવાનો તેમજ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.