
Std-12 Science Supplementary Exam result: રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10-12ના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નિષ્ફળ રહેલા પરીક્ષાર્થીઓને લઈને જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન, 2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા શરૂ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.
આવતીકાલે જાહેર થશે ધો-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ
શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'જૂન-જુલાઈ 2025માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ 12 જુલાઈ, 2025ના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટ gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક નાખીને પરિણામ મેળવી શકશે.'
તમને જણાવી દઈએ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ જૂન-જુલાઈ મહિના દરમિયાન ધો.10-12ની પૂરક પરીક્ષા લેવામાં આવી. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા 23 જૂન, 2025 શરૂ થઈ હતી. જેની હોલટિકિટ 12 જૂનથી બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ થવાની શરૂ થઈ હતી. શિક્ષણ બોર્ડની માહિતી અનુસાર ધોરણ 10-12માં જૂન-જુલાઈ, 2025ની પૂરક પરીક્ષામાં અલગ-અલગ વિષયના કુલ 11000થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે.