
Gujarat By-Elections: કેન્દ્રીય ચૂંટણીપંચે એક જાહેરનામું બહાર પાડી ગુજરાતની કડી અને વિસાવદની બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આગામી 19મી જૂને આ બંને બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેથી સત્તા પક્ષા ભાજપ અને કોંગ્રેસે આ બેઠકો જીતવા કમર કસી લીધી છે. કડી અને વિસાવદર બેઠક માટે કોંગ્રેસ પક્ષે પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે. કડી વિધાનસભા માટે સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કિરીટ પટેલ અને રઘુ દેસાઈની નિમણૂર કરવામાં આવી છે. જ્યારે વિસાવદર બેઠક માટે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પુંજાભાઈ વંશ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયાની નિમણૂક કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આવતા મહિને 19મી જૂને કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે. જ્યારે 23 જૂને આ બંને બેઠકોના પરિણામ આવશે. ત્યારે આજથી કોંગ્રેસ અને ભાજપે જીત માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, કડી અને વિસાવદર બેઠક પર ભાજપ જીત નિશ્ચિત છે, કડી ભાજપની પરંપરાગત બેઠક છે. કોંગ્રેસ ગમે તેટલા પ્રભારી જાહેર કરે ભાજપને કોઈ ફેર નથી પડતો, ભાજપ લોકોની વચ્ચે રહેતો પક્ષ છે.
કડી અને વિસાવદર પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, બંને બેઠકોની ચૂંટણીનું કોંગ્રેસ પક્ષ સ્વાગત કરે છે. કયા ઉમેદવારને ચૂંટણીમાં ઉતારવા તે મોવડીમંડળ નક્કી કરશે. આ ઉપરાંત ત્રીજા પક્ષને લઈને શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાતના મતદાતાઓની તાસિર રહી છે કે હજુ સુધી ત્રીજા પક્ષે સ્વીકાર્યો નથી.
કડી વિધાનસભા પેટાચૂંટણી અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે પૂરી રીતે તૈયાર છે. કોંગ્રેસને ઉમેદવાર શોધવા પડે છે જ્યારે અમારી પાસે ઉમેદવારો લાઈનમાં ઊભા છે. કડી પેટા વિધાનસભા પેટાચૂંટણી અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, બચુ ખાબડ મંત્રીનો દીકરો જેલમાં હોવા છતાં રાજીનામું નથી લેવાતું, દરેક જિલ્લામાં મનરેગા કૌભાંડ ચાલે છે. કડી વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર જીતશે, 5 ઉમેદવારોની પેનલ અમે મોકલી આપી છે