
સૌરાષ્ટ્રના મોટા ગજાના નેતા અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાનો ભાજપે જ ખેલ પાડ્યો છે. છેલ્લા 18 વર્ષથી ભાજપ વિસાવદર બેઠક જીતી શક્યુ નથી ત્યારે રાદડિયાને પ્રભારી બનાવી દીધા હતાં. હવે જ્યારે ભાજપે વિસાવદર બેઠક ગુમાવી છે ત્યારે રાદડિયા પર હારનું ઠીકરું ફોડાયુ છે. આ જોતાં આગામી દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે ત્યારે રાદડિયાનું મંત્રીપદ જોખમમાં મુકાયુ છે.
રાદડિયાના માથે વિસાવદરની હારનું ઠીકરું ફોડાયું
સહકારી સંસ્થામાં મેન્ડેટ આપ્યો ન હોવા છતાંય જયેશ રાદડિયાએ ભાજપ સામે શિંગડા ભેરવીને કેન્દ્રીય ગૃહમંત્રીના નજીકના ગણાતા ઉમેદવાર બિપીન ગોતાને હરાવ્યાં હતા. તે વખતે મેન્ડેટ વોર જામ્યો હતો. જયેશ રાદડિયાની સહકારી સંસ્થાઓમાં જોરદાર પક્કડ હોવાથી ભાજપની નેતાગીરીએ ચૂપ રહેવાનુ મુનાસીબ માન્યુ હતું.
આ જ જયેશ રાદડિયાને ભાજપે વિસાવદરની પેટા ચૂંટણીમાં બરોબરના ભેરવી દીધા હતાં. સી.આર.પાટીલે આ બેઠક પર રાદડિયાને પ્રભારી બનાવીને ગોપાલ ઇટાલિયા સામે મેદાને ઉતાર્યા હતાં. ભાજપને અંદાજો હતો કે, વિસાવદર જીતવું પડકાર સમાન છે. આ બેઠક પર મતદારો ભાજપને સ્વિકારવા રાજી નથી. તેમ છતાંય રાદડિયાને જવાબદારી સોપાઇ હતી.
હવે જ્યારે ભાજપની વિસાવદરમાં હાર થઇ છે ત્યારે ભાજપને ભાવતુ ભોજન મળ્યું છે. રાદડિયા ભાજપને જીતાડી શક્યા નથી તે વાત સાબિત થઇ છે ત્યારે ભાજપ ખુદ રાદડિયાને હાર માટે કારણભૂત ગણી રહ્યું છે. હારનું ઠીકરું રાદડિયાના માથે ફોડી ભાજપ મેન્ડેટ વોરનો બદલો લેશે.