ગુજરાતમાં વિધાનસભાની બે બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. કડી વિધાનસબા બેઠક પર ભાજપ જ્યારે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. વિસાવદરમાં AAPના ગોપાલ ઇટાલિયાની જીત બાદ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના નેતા જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા હતા.
ભાજપને વિસાવદરમાં હરાવવા પાછળ શું જવાહર ચાવડાનો હાથ?
જવાહર ચાવડા અવાર નવાર ભાજપના વિસાવદરના ઉમેદવાર રહેલા કિરીટ પટેલ વિરૂદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરતા મોવડી મંડળને પત્ર લખતા રહ્યાં છે. જવાહર ચાવડાએ જુનાગઢ ભાજપ પ્રમુખ અને વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે સત્તાનો દુરઉપયોગ અને ભ્રષ્ટાચારનો આરોપ મુકતો પત્ર પીએમ મોદીને પણ લખ્યો હતો. ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો છતા ભાજપે વિસાવદરમાં કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા.
જવાહર ચાવડાની રાજકીય કરિયર
જવાહર ચાવડા 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માણાવદરથી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા અને ધારાસભ્ય બન્યા હતા.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી તેઓ ભાજપમાં જોડાયા હતા. 2018માં આ બેઠક પરથી જ જવાહર ચાવડાએ પેટા ચૂંટણી જીતી હતી. માર્ચ 2019માં વિજય રૂપાણીના મંત્રાલયમાં પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બન્યા હતા.
2022ની વિધાનસભા ચૂંટણીમાં માણાવદર બેઠક પર જવાહર ચાવડાનો AAPના કરસનબાપુ ભદ્રક સામે પરાજય થયો હતો. જવાહર ચાવડા તે બાદ પાર્ટીમાંથી હાંસિયામાં ધકેલાઇ ગયા હતા. જવાહર ચાવડા તે બાદ ભાજપના નેતાઓ સામે ભ્રષ્ટાચાર કરતા હોવાનો લેટર બોમ્બ ફોડતા રહ્યાં છે.