
ગુજરાતમાં હાલમાં ચેલેન્જ પે ચેલેન્જનો ડ્રામા ચાલી રહ્યો છે. ત્યારે કાંતિ અમૃતિયા 100 ગાડીઓ લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં તેઓ 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલીયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના વિધાનસભાથી નીકળી ગયા હતા. આ ઘટનાક્રમને પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ વિધાનસભા પહોંચ્યા હતા. અંતે રાજીનામાના નાટકનો અંત થયો હતો.
ગોપાલ ઇટાલિયા ફરક્યા નહી
આજનો દિવસ ગુજરાતના રાજકારણ માટે શરમજનક ગણી શકાય. કારણ કે ઘણા દિવસોથી ચેલેન્જ વોર ચાલી રહ્યું હોવાછતાં અંતે નેતાઓ પાણીઓ પાણીમાં બેસી ગયા હતા. કાંતિ અમૃતિયાએ વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી. ત્યારે હવે વગર ચૂંટણીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગોપાલ ઇટાલિયા ત્યાં ફરક્યાજ નહોતા અને સમર્થકો સાથે કાંતિ અમૃતિયા પરત ફર્યા હતા.
ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતાં મોઢે સ્વિકાર કરતાં એક વીડિયો બનાવ્યો હતો. તેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મેં ગઇકાલે મોરબીના ધારાસભ્યનો વીડિયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું આપી દઇશ અને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે આપીશ. તો મોરબીના ધારસભ્યએ આપેલી આ ચેલેન્જને સહર્ષ રાજીખુશીથી આ સ્વીકારી લઇએ છીએ. શૂર બોલ્યા ન ફરે... જો તમે શૂરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ, જબાનના પાક્કા માણસ હોવ... તો આજે 10 તારીખ થઇ છે, મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઇએ. ગોપાલ ઇટાલિયા વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે.
ગુજરાતના રાજકારણમાં આક્રમક રાજકીય દાવપેચનું નવું સ્તર
આ ઘટના ગુજરાતના રાજકારણમાં આક્રમક રાજકીય દાવપેચનું નવું સ્તર દર્શાવે છે. ભાજપ દ્વારા વિપક્ષને સીધા સંબોધીને અથવા પડકાર આપીને નબળા પાડવાના પ્રયાસો ભવિષ્યમાં પણ જોવા મળી શકે છે. આનાથી AAP જેવા ઉભરતા પક્ષોને પોતાની રણનીતિઓ વધુ મજબૂત બનાવવાની અને આવા 'ટ્રેપ' માં ન ફસાવા માટે સજ્જ રહેવાની ફરજ પડશે. આ ઘટના ગુજરાતમાં દ્વિ-પક્ષીય રાજકારણ એટલે કે ભાજપ vs AAP વધુ તીવ્ર બનવાના સંકેત પણ આપે છે, જ્યાં ભાજપ AAPને મુખ્ય હરીફ તરીકે ગણીને તેને શરૂઆતમાં જ દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.