
ગુજરાત સરકારની મંજૂરી બાદ તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિનિયમોમાં ફેરફાર કરીને નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. જે મુજબ શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામને બદલે માતાનું નામ ઉમેરવા બાબતે જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. હવે દસ્તાવેજોમાં માતાનું નામ ઉમેરી શકાશે અને સિવિલ કોર્ટના હુકમ તથા ગેઝેટ સહિતના પુરાવાના આધારે ડીઈઓ સુધારો કરી શકશે.
સરકારના ઠરાવ બાદ બોર્ડના વિનિયમમાં સુધારો
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઓગસ્ટ 2022માં શિક્ષણ વિભાગમાં પત્ર લખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ-1974ના વિનિયમ ક્રમાંક 12(ક)માં નવી જોગવાઈ ઉમેરી સુધારો કરવા માટે દરખાસ્ત કરાઈ હતી. જેને સરકાર દોઢ વર્ષ બાદ ધ્યાને લેતા તાજેતરમાં ગત મહિને વિનિયમોમાં સુધારો કરવાની મંજૂરી આપતો ઠરાવ કર્યો હતો.
સરકારની જોગવાઈ મુજબ બોર્ડ દ્વારા વિનિમયોમાં બે નવી જોગવાઈઓ સુધારા સાથે ઉમેરવામા આવી છે. જેમાં પિતાના નામને બદલે માતાનું નામ લખવું હોય અને છુટાછેડા કે પતિના અવસાનના કેસમાં સિવિલ કોર્ટના હુકમ તથા ગેઝેટમાં નામ દાખલ થયાના પુરાવા સાથે અન્ય આધારા-પુરાવા રજૂ કરવાથી ડીઈઓ દ્વારા સુધારો કરી શકાશે.