
જામનગરમાં નહેરના કાંઠા વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારનો આઠ વર્ષનો બાળક પોતાના ઘેરથી ગુમ બન્યો હતો. પરિવારજનો બાળકની શોધખોળ કરી રહ્યા હતા અને આ અંગે પોલીસમાં પણ કરી હતી. આ દરમિયાન બાળકનો મૃતદેહ રણમલ તળાવમાંથી મળી આવ્યો હતો. બાળક ન્હાવા માટે પડતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું.
ઘેરથી એકાએક ગુમ થયો હતો બાળક
મળતી માહિતી અનુસાર, જામનગરમાં નહેરના કાંઠા વિસ્તારમાં એમ્પાયર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેતા હેમલભાઈ શીવાભાઈ નેપાળીનો આઠ વર્ષીય પુત્ર કમલ કે ગઈકાલે (શુક્રવારે) સાંજે પોતાના ઘેરથી એકાએક ગુમ થયો હતો. પરિવારજનો તેને શોધી રહ્યા હતા, અને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પણ જાણ કરી હતી. પોલીસની ટીમ બાળકને શોધી રહી હતી. આ દરમિયાન મોડી રાત્રે બાળકનો મૃતદેહ રણમલ તળાવમાંથી મળી આવ્યો હતો. પોલીસે તુરંત જ ફાયર બ્રિગેડનો સંપર્ક સાધ્યો હતો. ફાયર શાખાની ટુકડીએ સ્થળ પર દોડી આવી પાણીમાંથી બાળકના મૃતદેહ બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો.
પોલીસ ટીમે બાળકના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ આજે સવારે તેમના પરિવારને મૃતદેહ સોંપી દેવાયો છે. આ બનાવને લઈને નેપાળી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.