Home / Gujarat / Gandhinagar : 'Operation Lotus' may be repeated before by-elections in Gujarat

ગુજરાતમાં ફરી થઇ શકે 'ઓપરેશન લોટસ'! કડી-વિસાવદર પેટા ચૂંટણી પહેલા ભાજપ AAP-કોંગ્રેસના ધારાસભ્ય તોડી શકે

ગુજરાતમાં ફરી થઇ શકે 'ઓપરેશન લોટસ'! કડી-વિસાવદર પેટા ચૂંટણી પહેલા ભાજપ AAP-કોંગ્રેસના ધારાસભ્ય તોડી શકે

ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સત્તાધારી પાર્ટીને બેઠકો ગુમાવવાનો ડર લાગી રહ્યો છે તેથી પાર્ટીના નેતાઓએ ફરી એકવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બાકી બચેલા ધારાસભ્યો પર નજર દોડાવી છે. પક્ષાંતર કરાવવાની ભાજપને હવે આદત પડતી જાય છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાર્ટીના સિનિયર નેતાઓ પારકાંને પોતાના બનાવે છે

વિધાનસભામાં કોંગ્રેસ પાસે 12 અને આમ આદમી પાર્ટી પાસે 4 ધારાસભ્યો છે. પાર્ટીના ગેમપ્લાન પ્રમાણે પેટાચૂંટણી આવતાં સુધીમાં વિપક્ષના 4થી 5 ધારાસભ્યોને પક્ષપલટો કરાવવા માગે છે. પોતાના બળ ઉપર જીતવાની શક્તિ રહી નહીં હોવાનું ફલિત થઈ રહ્યું છે તેથી પાર્ટીના સિનિયર નેતાઓ પારકાંને પોતાના બનાવે છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ ખુદ વિસાવદરની પેટાચૂંટણીમાં પ્રચાર કરવા આવે એવી શક્યતા વચ્ચે AAPના ત્રણ ધારાસભ્યને ભાજપમાં ખેંચી લાવવા 'ઓપરેશન લોટસ' શરૂ કરી દીધાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. અંગત સૂત્રો મુજબ AAPના ત્રણ ધારાસભ્યમાં બોટાદના ઉમેશ મકવાણા, જામજોધપુરના હેમંત ખવા અને ગારિયાધારના સુધીર વાઘાણી ભાજપના નિશાના પર છે.

વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા પેટા ચૂંટણી લડશે

નોંધનીય છે કે, ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતાં વિસાવદરમાં બેઠક ખાલી પડી હતી. તેમજ કરશન સોલંકીના નિધનના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જોકે, આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર બેઠક પરથી પહેલાંથી જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા પેટા ચૂંટણી લડશે. જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ પણ ખૂબ જ જલ્દી કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરશે. 

પાર્ટીને કમજોર કરવા ખોટી અફવાઓ ફેલાવી

બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ નારણભાઇ મકવાણા ટૂંક સમયમાં BJPમાં જોઈન થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી પાર્ટીના નેતૃત્વથી નારાજ હોવાથી પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજર રહેતા નથી. આ મુદ્દે ઉમેશ મકવાણાએ કહ્યું કે, આપને કમજોર કરવા માટે હાલ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આવી બધી વાતો પાયાવિહોણી છે.

ભાજપનો બીજો ટાર્ગેટ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપનો બીજો ટાર્ગેટ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા છે. આ ઓપરેશન પાર પાડવા ભાજપે એક મહિલા સાંસદ અને ગુજરાત સરકારના મંત્રીને કામ સોંપ્યું છે. બંને વચ્ચે મિટિંગ પણ યોજાઇ ગયાની માહિતી મળી છે. તો ખવાએ આ બાબતે સ્પષ્ટતા કરી હોવાનું જાણવા મળે છે કે હું ક્યારેય ભાજપમાં નહીં જઉં. હું વિસાવદરની ચૂંટણીની તૈયારમાં વ્યસ્ત છું. ભાજપમાંથી કોઇએ મારો સંપર્ક નથી કર્યો. જે લોકો મને ઓળખે છે તેઓ મારો સંપર્ક કરે જ નહીં. 

અસલી ભાજપના નેતાઓ તો ચંપલ ઘસે છે- ઈશુદાન ગઢવી

AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપના કેટલાક નેતાઓ ગતકડાં કરીને મીડિયામાં ખોટી અફવા ફેલાવી રહ્યા છે. આ માત્ર ભાજપની ચાલ છે અને અમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભાજપને પોતાના નેતાઓ પર ભરોસો નથી. કેમ કે તેમને ભાડૂતી નેતાઓ જોઈએ. આજે અસલી ભાજપના નેતાઓ તો ચંપલ ઘસે છે. ઉમેશભાઈ થોડા સમયથી ફિઝિકલી ફિટ નહોતા એટલે તેમને લઈને આ આખી હવા ફેલાવવાની કોશિશ થઈ છે. આ બાબતે તેમણે ખુદ ખુલાસો કર્યો છે કે તેઓ પાર્ટી સાથે છે અને મજબૂતાઈથી પાર્ટીને મજબૂત કરવામાં પોતાનું યોગદાન આપવાના છે.

 

Related News

Icon