Home / Gujarat / Gir Somnath : district BJP president wrote to CM regarding eco-sensitive zone

GIR SOMNATH : સરકારના નિર્ણયનો ભાજપ નેતાએ જ કર્યો વિરોધ, મુખ્યમંત્રીને લખ્યો પત્ર

GIR SOMNATH : સરકારના નિર્ણયનો ભાજપ નેતાએ જ કર્યો વિરોધ, મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગુજરાત સરકારના વિશેષ પ્રયાસોથી કેન્દ્ર સરકાર દ્વારા ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ 2.78 કિ.મી. અને વધુમાં વધુ 9.50 કિ.મી. રાખવામાં આવ્યું છે.  આ ઇકો-સેન્સિટિવ ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના  196 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જો કે હવે ભાજપ નેતાએ જ સરકારના આ નિર્ણયનો વિરોધ કરતા ઇકો-સેન્સિટિવ ઝોનમાંથી જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોને મુક્ત રાખવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. 

ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગીર સોમનાથ જીલ્લા ભાજપ  પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ આ અંગે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે  હાલમાં ભારત સરકાર તથા ગુજરાત સરકાર ધ્વારા ઈકો સેન્સેટીવ ઝોન જાહેર કર્યો છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા, ગીરગઢડા તથા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગામોનો ઈકો સેન્સેટીવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો  છે. જેના કારણે આવા ગામોમાં બીનખેતી તથા રીસોર્ટ તથા નાના ઉધોગોના વ્યવસાયમાં રૂકાવટ થાય તેમ છે. જેથી આ ગામોના ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી શકે છે. આ બાબત ધ્યાને લઈ ઈકો સેન્સેટીવ ઝોન નીચે આવતા આવા ગામોને ઈકો સેન્સેટીવ ઝોનમાંથી મુક્તિ આપી પહેલાની સ્થિતી કાયમ રાખવા અંગે આ વિસ્તારના લોકોની રજુઆત મળી છે. તો આ બાબતે આપના સ્તરેથી જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના ગામોને ઈકો સેન્સેટી ઝોનમાંથી મુકિત આપવા અમારી ભલામણ સહ વિનંતી છે. 

ઇકો-સેન્સિટિવ ઝોનમાં 3 જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓને સમાવી લેવાઈ

નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ 17 નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા 4 મહત્ત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-59 ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-65 ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-196 ગામોના 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.