ગીર સોમનાથ જિલ્લાના સોમનાથમાં શંખ સર્કલ પાસે ડિમોલિશન મામલે મોટો વિવાદ સર્જાયો છે. થોડા દિવસો પહેલાં તંત્ર દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદેસર પેશકદમીઓ હટાવવા માટે નોટિસો આપવામાં આવી હતી. જ્યારે તંત્ર જેસીબી અને ટ્રેક્ટર સાથે આ સ્થળે પહોંચ્યું તો સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો. મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ રોડ પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કરી દીધું, જેના કારણે સોમનાથ આવતા-જતા લોકોને અસર પહોચી હતી.
સોમનાથના શંખ સર્કલ પાસે તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. વિરોધમાં લોકોએ રસ્તાઓ પર ઉતરીને ચક્કાજામ કર્યું, જેના કારણે સોમનાથ આવતા-જતા માર્ગો પર ટ્રાફિક ખોરવાઈ ગયું હતું. ચક્કાજામ બાદ પોલીસે ઝડપથી પગલાં લઈને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. આ દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત કેટલાક સ્થાનિક લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસો હાથ ધર્યા, જ્યારે તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા આગળ વધારવામાં આવી.
શંખ સર્કલ પાસે ગેરકાયદેસર બાંધકામો હટાવવાની પ્રક્રિયા દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ડિમોલિશનથી તેમની આજીવિકા અને રહેઠાણ પર અસર પડશે, જેના કારણે તેઓ આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે.