
Veraval Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સહિતના આસપાસના વિસ્તારોમાં વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર ફૈઝલ ઉર્ફે ફૈઝૂડો કાલુશાભાઈ શાહમદા ફકીર પર જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજાના હુકમથી PASA એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી ફૈઝલની વેરાવળ પોલીસે ભયજન વ્યક્તિની કેટેગરીમાં અટકાયત કરીને ભુજ જેલમાં ધકેલી દીધો છે.
જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતા 26 વર્ષીય ઈશમ ફૈઝલ ઉર્ફે ફેજુડો કાલુશાભાઈ શાહમદા ફકીર વિરુદ્ધ સહઆરોપીઓ સાથે ટોળી બનાવી છરી પ્રકારના તિક્ષ્ણ હથિયાર રાખીને નિર્દોષ લોકોને ગાળાગાળી કરી, ગંભીર ઇજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના, ભારતીય ફોજદારી ધારાના પ્રકરણ -16, 17 અને 22 તથા ભારતીય ન્યાય સહિતાના પ્રકરણ -6, 19 ની કલમોના ભંગના ગુના વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હતા.
આ શખ્સ ઝનૂની સ્વભાવવાળો હોવાથી ભવિષ્યમાં પણ આવી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થવાના તેમજ તેની આવી ભયજનક પ્રવૃત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવા સારું તેની તાત્કાલિક અટકાયત કરવી આવશ્યક જણાઈ હતી.
વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરે આ તમામ વિગતો જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા સમક્ષ રજૂ કરી હતી. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટે આરોપી વિરુદ્ધ PASA એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ કરતા વેરાવળ સીટી પોલીસે ફૈઝલની અટકાયત કરી તેને ભુજ જેલ મોકલી દીધો છે.