
1924ના કોંગ્રેસ અધિવેશનમાં મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરી રહી છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં યોજાશે.
સવારે 11 વાગ્યે બે દિવસીય અધિવેશનની શરૂઆત થશે
જેમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના નેતાઓ મહત્ત્વપૂર્ણ બેઠકો કરશે. નોંધનીય છે કે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે. અધિવેશનમાં કુલ બે હજારથી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે સવારે 11 વાગ્યે બે દિવસીય અધિવેશનની શરૂઆત થશે. આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થશે. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગ્યે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ થશે.
અમદાવાદમાં જ કોંગ્રેસ પાર્ટી કાર્ય સમિતિ એટલે કે CWCની બેઠકનું પણ આયોજન કરાશે
રાષ્ટ્રીય અધિવેશનના ભાગરૂપે અમદાવાદમાં જ કોંગ્રેસ પાર્ટી કાર્ય સમિતિ એટલે કે CWCની બેઠકનું પણ આયોજન કરાશે. આ બેઠકમાં સત્તાનું વિકેન્દ્રીકરણ, ગઠબંધન તથા જનસંપર્કના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે 'ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ, સંઘર્ષ' ટેગલાઇન આપવામાં આવી છે.
રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મલ્લિકા સારાભાઈ સહિતના કલાકારો ગરબા તથા આદિવાસી નૃત્ય સહિતની લોક કળાના કાર્યક્રમ પ્રસ્તુત કરશે. તમામ મહેમાનો માટે ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું છે કે, 'જે રીતે કોંગ્રેસે સ્વતંત્રતા મેળવવા માટે મહેનત કરી હતી, તે જ રીતે ગુજરાતમાં મહેનત કરીશું અને સત્તા હાંસલ કરીશું. અધિવેશનને ન્યાય પથ નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ ન્યાયના માર્ગ પર ચાલશે અને જન સમર્થન મેળવશે.'