ગુજરાતના જામનગરના સુવરડા ગામની સીમમાં જેગુઆર ફાઈટર પ્લેન ગત મોડી રાત્રે ક્રેશ થયું હતું. પ્લેનમાં સવાર બે પાયલોટમાંથી એકનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે એક પાઈલોટને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલમાં પ્લેન ક્રેશ થયાના CCTV સામે આવ્યા છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી હતી.
જામનગર નજીક વાયુસેનાના જગુઆર પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયાની એરફોર્સે સત્તાવાર જાહેરાત કરી છે. ફ્લાઇટ લેફ્ટ. સિદ્ધાર્થ યાદવના શબને એરફોર્સની ટીમ સન્માન સાથે જામનગર સેન્ટર ઉપર લઈ ગઈ છે. હાલમાં ફાઇટર પ્લેન ક્રેશ થયાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, બુધવારે રાત્રે જામનગર નજીક સુવરડા ગામની સીમમાં એરફોર્સની તાલીમ માટે બે પાયલટ સાથે ઉડેલું 'જેગુઆર' ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. ફાઈટર પ્લેનમાં અગમ્ય કારણોસર ટેકનિકલ ખામી સર્જાતા પાયલટને તેની જાણ થઈ. નીચે જામનગરનો રહેણાંક વિસ્તાર હોવાથી ગામને બાચાવવા માટે અંતિમ ઘડી સુધી પાયલટ પ્લેનમાં બેસી રહ્યા હતા અને અંતે પ્લેન ક્રેશ થયું હતું.
આ અકસ્માત સર્જાતા એકાએક જ પ્રચંડ ધડાકા સાથે ક્રેશ થઈને અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. બે પાયલોટને ફાઈટર પ્લેનમાંથી પેરાશૂટની મદદથી નીકળવાનો પણ સમય મળ્યો નહોતો. આ અકસ્માતમાં તાલીમી પાયલોટનું મોત નીપજ્યું હતું અને બીજાને ગંભીર ઈજા પહોંચી છે.