
Jamnagar News: જામનગર મહાનગરપાલિકામાં કર્મચારીઓની તંગી હોવાથી મોટાભાગના અધિકારીઓ તબીયતના ભોગે ડબલ-ટ્રીપલ ચાર્જમાં વર્ષોથી ગાડું ગબડાવે છે. તેવામાં તંત્રના પાંચ મુખ્ય હોદ્દા એવા ત્રણ આસિસ્ટન્ટ કમિશ્નર, એક ચીફ ઓડિટર અને એક કાર્યપાલક ઈજનેરની બઢતીની પ્રક્રિયા મહાનગરપાલિકાના શાસકો દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી ન હોવાના મુદ્દે કાયમી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. સત્તાધીશો દ્વારા રોકી રખાયેલા પ્રમોશન સામે ધુંધવાટ બહાર આવ્યો છે.
શહેરની પ્રાથમિક સુખાકારીના મેનેજમેન્ટ માટે કાર્યરત મહાનગરપાલિકાના સ્ટાફની સંખ્યા (મહેકમ, વર્ક ફોર્સ)માં વર્ગ 1થી 4ના કર્મચારીઓની કુલ જગ્યાઓ 1263 છે. પરંતુ ભરેલી માત્ર 475 જ છે. જેમાં 200 વર્ગ ચારના અને બાકીના 275 વર્ગ 1થી 3ના કર્મચારીઓ છે. આમ કુલ કાયમી સ્ટાફની જરુરીયાતના 50 ટકા પણ કાયમી સ્ટાફ મ્યુ. કોર્પોરેશનમાં નથી. જેને કારણે તંત્રને હંગામી કર્મચારીઓ દ્વારા ગાડું ગબડાવવું પડે છે.
કાયમી સ્ટાફની જરુરીયાતના 50 ટકા પણ કાયમી સ્ટાફ કોર્પોરેશનમાં નથી
તેથી મહાનગરપાલિકાના તંત્રને કાયમી 475 કાયમી કર્મચારીઓ ઉપરાંત હાલમાં કોન્ટ્રાક્ટ બેઈઝના 220 કર્મચારીઓ, એપ્રેન્ટિસ 30, આઉટ સોર્સના 350 અને અવેજીના 30 મળીને કુલ 1105 કર્મચારીઓથી કામ ચલાવવું પડે છે. હજી પણ 158 જેટલી જગ્યાઓ ખાલી રહે છે. આવા સંજોગોમાં કામ કરતા કર્મચારીઓને વર્ક લોડ પણ ઝીલવો પડે છે. પ્રમોશનના પાવરની ટેકનિકાલીટીની વાત કરીએ તો કમિશનરને ડેપ્યુટી ઈજનેરો સુધીના પ્રમોશનની સત્તા છે.
જ્યારે બે વહિવટી અને એક ટેક્સના એમ ત્રણ આસિ. કમિશનર, ચીફ ઓડિટર અને કાર્યપાલક ઈજનેરની બઢતીની સત્તા જનરલ બોર્ડને એટલે કે, ચુંટાયેલી રાજકીય વિંગને છે. આ વિંગ દ્વારા સિનિયોરીટી અને લાયકાત હોવા છતાં મહાનગરપાલિકાની પાંચ મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ભરવામાં આવતી નથી. તેથી આ જગ્યાઓ ન ભરવા સામે અધિકારીઓ-કર્મચારીઓએ આજે એકતા દાખવીને મુક વિરોધ વ્યક્ત કર્યો છે. સંભવત શાસકોના હાથ-પગ જેવા અધિકારીઓની નારાજગી દુર કરવા શાસકો દ્વારા જનરલ બોર્ડની બેઠકમાં કોઈ નિર્ણય થાય તેવી શક્યતા છે.