
જામનગરમાં ગુલાબનગર નજીક રવિપાર્ક વિસ્તારમાં એક સાથે 50 ઘરોમાં લંગરિયા નાંખીને વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને વીજ અધિકારીની આગેવાનીમાં આ તમામ ઘરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ બનાવને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી. વીજ કર્મચારીઓની ટુકડી રીપેરીંગ કરવા ગઈ હતી, ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.
થાંભલાઓમાંથી ડાયરેક્ટ લંગરિયા નાંખીને વીજ વપરાશ
જામનગર શહેરમાં ગુલાબનગર રોડ ઉપર આવેલી રવિપાર્ક વિસ્તાર નજીકની બે શેરીમાં પાવર ન આવતો હોવાની પીજીવીસીએલને ફરિયાદ મળી હતી. જેને નિવારણ માટે ગયેલી પીજીવીસીએલની ટીમને ધ્યાનમાં આવ્યું હતું કે, વિસ્તારના મોટાભાગના ઘરોમાં થાંભલાઓમાંથી ડાયરેક્ટ લંગરિયા નાંખીને વીજ વપરાશ થઈ રહ્યો છે.
ઘરોના સર્વીસ કેબલો જ ઉતરાવી લીધા
વીજ કર્મચારીઓએ આ અંગે વિસ્તારના લોકોની પુછપરછ કરતાં જે લોકો લંગરિયા નાંખીને વીજ વપરાશ કરતા હતા. તેઓ દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા. એજીનિયર અને એક્સ મીલીટરી મેન સિક્યુરીટી વિસ્તારમાં પહોંચ્યા હતા. લંગર કનેકશન ધરાવતા દરેક ઘરોના સર્વીસ કેબલો જ ઉતરાવી લીધા હતા.
રવિપાર્ક વિસ્તારના લંગર ધારકોને નવા મીટર કનેક્શન માટે વીજ તંત્રને અરજી કરવી પડશે. વિસ્તારની બે શેરીમાં મોટાપાયે વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યા બાદ થયેલી કામગીરીથી વિસ્તારમાં અફરાતફરી મચી હતી. નોંધનીય છે કે, વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારના લંગરિયા કનેક્શન ઝડપાયા હતા.