
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની 17 હજાર કરતા વધુ મતથી જીત થઇ છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને હરાવ્યા છે. વિસાવદરમાં AAPની જીત પર ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
ચૈતર વસાવાએ કહ્યુ કે, ગુજરાતના મુખ્યમંત્રીએ હજારો કરોડોની ભેટ આપવાની વાતો કરી, કિરીટ પટેલે પેરિસ બનાવવાની વાતો કરી, ભાજપ વાયદા-વચન આપીને યુઝ એન્ડ થ્રો કરે છે તેની સામેનું આ મતદાન હતું. ગુજરાતમાં ભ્રષ્ટાચાર-ભય અને ભુખની રાજનીતિ ચાલે છે તેનુ આ મતદાન હતું. વિસાવદરની જનતાને અભિનંદન કે લોભ-લાલચમાં આવ્યા વગર ગોપાલભાઇ અને આમ આદમી પાર્ટી પર ભરોસો મુક્યો છે. આ જીત સમગ્ર ગુજરાતની જીત છે.
ગોપાલભાઇના જીતવાથી મજબૂત વિપક્ષ મળશે
ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, ભાજપની નીતિ રહી છે કે સામ-દંડભેદની નીતિ અપનાવી અમને તોડવાની વાતો થતી હતી. જવાહર ચાવડા-હર્ષદ રીબડિયા લોકસેવામાં માનનારા હતા ભાજપે તેમની કારકિર્દી પૂર્ણ કરી દીધી. ગોપાલભાઇના જીતવાથી એક મજબૂત વિપક્ષની ભૂમિકામાં અમે વિધાનસભામાં રહીશુ. ગુજરાતમાં તમામ વર્ગના લોકોનો અવાજ બનીશું. ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે ભાજપ-કોંગ્રેસના જે પણ લોકો લોકસેવા કરવા માંગે છે, રાજનીતિ કરવા માંગે છે તેવા લોકો પણ અમારી સાથે આવે. આવનારા 2027માં વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તન લાવવા માટે લડીશું.