
Junagadh News : રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં આવેલા મોટવડા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીના આપઘાતની ઘટના હજી તાજી છે, એવામાં હવે જુનાગઢમાં સ્વમિનારાયણ ગુરુકુળ, રાજકોટ સંચાલિત જ્ઞાનબાગ ગુરુકુળમાં ધોરણ-6માં અભ્યાસ કરતા રાજકોટના વિદ્યાર્થીના મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. આ મામલે જ્ઞાનબાગ ગુરુકુળના સંચાલકો પર ગંભીર આક્ષેપ લાગ્યા છે.
હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો
આ અંગે મળતી માહિતી મુજબ જુનાગઢના જ્ઞાનબાગ ગુરુકુળમાં ધોરણ-6માં અભ્યાસ કરતા રાજકોટ જિલ્લાના ત્રંબા ગામ ગામના ઓમ અંકુરભાઈ સાંગાણી નામના 11 વર્ષનાવિદ્યાર્થીનું મોત થયું હતું. આ ઘટના ગત 20 ઓક્ટોબરે બની હતી. વિદ્યાર્થીની તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
વિદ્યાર્થીને સમયસર હોસ્પિટલ ન લઈ જવાયાના આક્ષેપ
આ ઘટનામાં વિદ્યાર્થીના વાલીઓએ જ્ઞાનબાગ ગુરુકુળના સંચાલકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવ્યાં છે. વિદ્યાર્થીના વાલીના આક્ષેપ છે કે જ્ઞાનબાગ ગુરુકુળના સંચાલકો તેના સંતાનને સમયસર હોસ્પિટલ ન લઈ ગયા, જેથી તેનું મોત થયું છે. ફરિયાદમાં લખાવ્યાં અનુસાર તેમના બાળકની તબિયત 19 તારીખથી ખરાબ હતી અને સરખું ચાલી પણ શકતો ન હતો એવું સીસીટીવીમાં દેખાય છે. આમ છતાં ગુરુકુળના સંચાલકો તેને હોસ્પિટલ લઈ ગયા ન હતા.
પોલીસે શરૂ કરી તપાસ
આ અંગે બાળકના વાલીએ જુનાગઢ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે પોલીસે જ્ઞાનબાગ ગુરુકુળમાં તપાસ શરૂ કરી છે.