
Gujarat By Election: ગુજરાત વિધાનસભાની બે ખાલી પડેલી બેઠક વિસાવદર અને કડી બેઠક પર ગઈકાલે પેટાચૂંટણી યોજાઈ ગઈ હતી. જેમાં વિસાવદર બેઠકની ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો સ્ટ્રોંગ રૂમ ખાતે સીસીટીવી કેમેરાના કંટ્રોલ રૂમની દેખરેખ માટે 24 કલાક તૈનાત થઈ ગયા છે. કોઈ ચેડાં કે અજુગતું ન થાય તે માટે કાર્યકરો સાવધાન થઈને ગોઠવાઈ ગયા છે.
મળતી માહિતી અનુસાર, વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હાલ મત પેટીઓને જૂનાગઢની કૃષિ ઈજનેરી અને ટેકનોલૉજી મહાવિદ્યાલય ખાતે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમ ખાતે સીસીટીવી કેમેરાની નીગ્રાની હેઠળ રાખવામાં આવી છે. સીસીટીવી કેમેરાનું બહાર મોનિટરિંગ માટે કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલીયાએ કહ્યું કે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ હવે તેમાં કોઈપણ જાતની ગડબડ ન થાય તે માટે અમારી પાર્ટીના કાર્યકરો સતત કંટ્રોલરૂમ ખાતે 24 કલાક દેખરેખ રાખી રહ્યા છે.