
Junagadh News: જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર કાળા દેવરાજ રાડાને ફિલ્મી ઢબે પોલીસે ઝડપી પાડ્યો છે. કુખ્યાત ગુનેગારને પકડવા ખુદ એસપીએ રાત આખી દોડધામ કરી અને જીવના જોખમે પકડી પાડ્યો છે. હાલ કાળા દેવરાજનું જૂનાગઢના ગાંધીગ્રામ સહિતના વિસ્તારોમાં રી-કન્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે.
ખૂન, ખૂનની કોશિશ સહિતના 107થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કાળા દેવરાજ રાડા સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં કાળા દેવરાજને હાઇકોર્ટે જામીન આપ્યા હતા. હાઇકોર્ટે આપેલી શરતોનું ભંગ થતા પોલીસે ખાસ ગુજસીટોક કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો, જો કે કોર્ટે તેના જામીન રદ કર્યા હતા.
અનેકવાર તેનો અરેસ્ટ વોરંટ કાઢવા છતાં તે ભાગતો ફરતો હતો
તે નાસતો ફરતો હતો તે દરમિયાન પોલીસને પડકાર ફેંકતા સોશિયલ મીડિયા પર વીડિયો મુકતો હતો. થોડા દિવસ પહેલા કાળા દેવરાજના ગેરકાયદેસર ફાર્મ હાઉસ અને મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસ તેને પકડવા પ્રયત્ન કરતી હતી પરંતુ તે હાથ લાગતો ન હતો.
આરોપીએ 70થી વધુની સ્પીડે રીવર્સમાં કાર ચલાવી
ગતરાત્રિના એસપી સહિતનાઓને બાતમી મળી કે જુનાગઢના ખડીયાથી બગડુ રોડ પર કાળા દેવરાજ પસાર થવાનો હોવાથી ખાનગી વાહનોમાં આખી રાત પોલીસે દોડધામ કરી હતી. વહેલી સવારના 6 વાગ્યા આસપાસ ખડીયા પાસે કાળા દેવરાજ નીકળ્યો ત્યારે ત્યાં નાકાબંધી કરી ખુદ એસપી, એલસીબીના પી.આઇ સહિતનો સ્ટાફ ઉભો હતો. તેને જોઈ કાળા દેવરાજે પોતાની કારને 70થી વધુની સ્પીડે રીવર્સમાં ચલાવી પરંતુ તેની પાછળ પોલીસની કાર હતી. પોલીસની સાથે કાર અટકાવી ભાગી જવાનો પ્રયત્ન કર્યો.
પરંતુ SP અને LCBએ તેની પાછળ કાર દોડાવી ઝડપી પાડ્યો
ફિલ્મી ઢબે જીવની બાજી લગાવી ખુદ એસપી, એલસીબીના પીઆઇ સહિતનાઓએ જીવના જોખમે કાળા દેવરાજને દબોચી લીધો હતો. હવે કાળા દેવરાજને તેમના વિસ્તારમાં હાથ જોડાવી પોલીસ માફી મંગાવી રહી છે. કાળા દેવરાજે ભાગવા માટેના પ્રયત્નો કર્યા જેમાં કાર અકસ્માત સર્જ્યો પરંતુ આ કાર અકસ્માતમાં પોલીસની ખાનગી કારને નુકસાન થયું અને પોલીસ કર્મીઓને પણ સામાન્ય ઈજા પહોંચી હતી.