Visavadar News: જુનાગઢ જિલ્લામાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને તમામ રાજકીય પક્ષ તેમના ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરી ગયા છે. એવામાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલની સભાને લઈ એક મામલો સામે આવી રહ્યો છે. કિરીટ પટેલ એક ગામમાં ચૂંટણીના પ્રચાર માટે જવાના હતા, જ્યાં ખેડૂતો મંડળીના કૌભાંડ અંગે પ્રશ્નો પુછવાના હતા. કિન્તુ પોલીસનો કાફલો આવી ખેડૂતોને રોકી દેવામાં આવ્યા અને કિરીટ પટેલે પણ પોતાનો પ્રવાસ મોકુફ રાખ્યો હતો.
આજે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો ભેંસાણ તાલુકાના વાંદરવડ ગામે ચૂંટણીનો પ્રવાસ હતો. વાંદરવડ ગામે સહકારી મંડળીના કૌભાંડનું એપી સેન્ટર છે ત્યાં એક ખેડૂતે મંડળીના કૌભાંડના કારણે આત્મહત્યા પણ કરી લીધી હતી. કિરીટ પટેલ આજે પ્રવાસમાં જવાના હતા ત્યારે ત્યાંના ખેડૂતોએ આ અંગે તેમને સવાલો પૂછવા એકઠા થયા હતા ત્યારે પોલીસે આવી લોકોને અટકાવ્યા અને કિરીટ પટેલ પણ પોતે પ્રચારમાં ન આવ્યા. આ અંગેનો સ્થાનિકોએ વીડિયો ઉતાર્યો હતો પણ પોલીસે તેને પણ ડીલીટ કરાવ્યો હોવાના આક્ષેપ ઉઠ્યો હતો. આ અંગેની જાણ થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા ત્યાં પહોંચ્યા હતા અને મગફળી કૌભાંડના ભોગ બનેલ ખેડૂતોએ તેમની આપવીતી જણાવવી હતી. જેમાં મૃતક ખેડૂતોના નામે લાખો રૂપિયાની લોન, જેના મંડળીમાં ખાતા નથી તેને લોન ઉધારી લેવામાં આવી છે.