
Junagadh News: જૂનાગઢમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે તેવો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે. વિસાવદરમાં પ્રથમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા. ભાજપે તેમને રાજીનામું અપાવ્યું અને દોઢ વર્ષથી વિસાવદરને વિકાસથી વંચિત રાખવામાં આવ્યું અને ભાજપે ખેડૂતો સાથે દ્રોહ કર્યો. ‘આપ’ના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમીને સમર્થન આપશે.
એક તરફ વિસાવદર પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા વિસાવદરમાં મુખ્યમંત્રીએ સભાનું સંબોધન કરી વિકાસના મોટા મોટા દાવાઓ કર્યા હતા. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ પ્રદેશ કક્ષાનું સંમેલન વિસાવદર માર્કેટિંગ યાર્ડની નજીક જ આયોજન કર્યું હતું. જેમાં કાર્યકરો, આગેવાનો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સંમેલનમાં વિસાવદર વિધાનસભામાં આપના ઉમેદવારને જીતાવી વર્ષ 2027માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના શ્રી ગણેશ વિસાવદરથી કરવાના દાવાઓ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, હેમંત ખવા તેમજ ગોપાલ રાય જેવા રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિસાવદરની પ્રજાને ભાજપના ભય, ભૂખ અને ભ્રષ્ટાચારયુક્ત શાસનના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે આપના ઉમેદવારને વિજય બનાવવા અપીલ કરી હતી.