
છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સાધુ સંતો દ્વારા એનકેન પ્રકારે વિવાદિત નિવેદન આપવામાં આવી રહ્યા છે. એવામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા બફાટને મામલે વડતાલ ખાતે સંતોની બંધ બારણે બેઠક મળી હતી. અવારનવાર સ્વામિનારાયણ સાધુ સંતો દ્વારા કરવામા આવતા બફાટ મામલે ચર્ચા થઈ હતી. વડતાલ સત્સંગ સભાના પ્રમુખ નૌતમ સ્વામી મહારાજના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી.
ગુજરાતભરની સ્વામિનારાયણ સંસ્થાના સ્વામીઓની હાજરી
બેઠકમાં વડતાલધામ મુખ્ય કોઠારી સંતવલ્લભસ્વામી, અને નૌતમ સ્વામી મહારાજે બેઠક બોલાવી હતી જેમાં ગુજરાતના અનેક સ્વામિનારાયણ મંદિરમાંથી સ્વામીઓએ હાજરી આપી હતી. લોહિયા ધામ કંડારીથી દિવ્ય વલ્લભ સ્વામી, ગઢડા ગઢપુરના ચેરમેન હરીજીવન સ્વામી, (બ્રહ્મા વિષ્ણુ મહેશને સ્વામિનારાયણ ભગવાનના મેનેજર ગણાવનાર) સુરત સરધારાથી નિત્ય સ્વરૂપ સ્વામીનું શિષ્ય મંડળ, ધંધુકાથી બાપુ સ્વામી, જુનાગઢના કોઠારી સહિતના સંતો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જો કે, હાલ નૌતમ સ્વામી મહારાજ કે વડતાલ મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામી આ મુદ્દે કંઈપણ બોલવા તૈયાર નથી.