
Kheda news: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખીજલપુર ગામમાં નરેગા અને મનરેગા જેવી યોજનામાં કૌભાંડ થયાની બુમ ઉઠી છે. જેમાં વર્ષ-2021થી 2024 સુધીમાં નાણાંપંચની ગ્રાન્ટ આશરે 57- લાખ જેટલી વપરાઈ હતી. આમ છતાં ખીજલપુર ગામ વિકાસથી સાવ વંચિત રહેવા પામ્યું છે. નરેગા યોજના હોય કે 15મા નાણાંપંચ રૂપિયા કોના ખિસ્સામાં જઈ રહ્યા છે..! ગામના લોકોએ આક્ષેપ કરતા કહ્યું કે ખેતરને ગ્રાઉન્ડ બતાવી નરેગાની ગ્રાન્ટના લાખો રૂપિયા ઉપાડી લીધા છે. પૂર્વ સરપંચ પ્રતાપભાઈ પરમારે પણ આક્રોશ વ્યક્ત કર્યો છે કે, વિકાસનાં કાર્યો થતા જ નથી. એક જ જગ્યા કે સ્થળને બે-ત્રણ વખત કામ કરીને કાગળો પર બતાવી દેવાય છે.
મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં આવેલા ઠાસરા તાલુકાના ખીજલપુર ગામની બામણીવાડીમાં મેટલ તેમજ માટીનું કે રોડ-રસ્તાનું કોઈ જ કામ થયું નથી. અગાઉના સરપંચો ઉપર પણ ભ્રસ્ટાચારના આક્ષેપ થયા છે. ગામમાં ગટર લાઈન, પાણીની પાઇપ લાઈન તેમજ પેવર બ્લોક કે સીસી રસ્તાનાં કામ વર્ષ પહેલા થયેલા હોય આ જ કામોને ફરીથી કાગળો પર બતાવી લાખોનો ભ્રસ્ટાચાર કરી દેવામાં આવ્યો છે. વધુ એક આક્ષેપ:સર્વે નં-128- કે જે ખેડૂત દ્વારા ખેતી છેલ્લા ઘણા વર્ષો કરાઈ રહી છે તેને ગામનું ગ્રાઉન્ડ બતાવી ગ્રાન્ટ ઉપાડી લીધી છે. આમ વિકાસની વાતો કરતી સરકારની યોજનાઓ છેવાડાનાં ગામડામાં માત્ર કાગળો પર જ છે.
ગામડાની ખેતી કરતી પ્રજા તેમજ પશુપાલન પર નભતી અભણ પ્રજા વિકાસથી વંચિત છે. નરેગા તેમજ મનરેગાની યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રસ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. જો કે, કરમની કઠણાઈ પણ જુઓ કે, આ ઠાસરા તાલુકાના માત્ર એક જ ગામડાની વાત છે. જ્યારે અહીં તો કુલ 62- ગામડાઓ આવેલા છે. તો નરેગા- મનરેગા યોજનામાં કેટલા કરોડ રૂપિયાનો ભ્રસ્ટાચાર થયો હશે? જો કે, આ અંગે તંત્રને વાતચીત માટે ટાઈમ નથીનું બહાનું કાઢી દેવામાં આવ્યું. જયારે તાલુકા પંચાયતની તેમની ઓફિસે જતા મુલાકાતની ના પાડી દેવામાં આવી હતી.