
Corona news: છેલ્લા ઘણા દિવસોથી દેશમાં અને ગુજરાતમાં કોરોના વાયરસનો ધીમો અને મક્કમગતિએ પગપેસારો થઈ રહ્યો છે. જો કે, ત્રણેક વર્ષના લાંબા સમય બાદ આવવાથી લોકોમાં પણ કોરોનાનો ડર રહ્યો નથી. પરંતુ કોરોનાના કેસો વધતા તબીબોમાં ચિંતા ફેલાઈ છે. રાજકોટ, નડિયાદ, આણંદ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં કોરોના વાયરસના કેસો વધ્યા છે.
આ પ્રકરણમાં રાજકોટમાં પણ કોરોના વાયરસના કેસો આવતા થયા છે. ગત રોજ રાજકોટ શહેરમાં એક જ દિવસમાં વધુ છ કોરોના કેસ નોંધાતા તંત્ર અને તબીબો પણ ચોંકી ગયા હતા. જો કે, લોકોએ હવેથી સાવધાન થવાની જરુર છે. માસ્ક, સેનેટાઈઝર સહિતની વસ્તુઓ ફરી વસાવવાની નોબત આવે તેવું લાગી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં આવેલા રામપાર્કની 25 વર્ષીય મહિલા, સદગુરુનગરમાં 32 વર્ષીય પુરુષ, બસ સ્ટેશન પાસે 26 વર્ષીય પુરુષ, જીવરાજપાર્કમાં 67 વર્ષીય પુરુષ, સદગુરુનગરમાં 6 મહિનાનું બાળક અને મંગલ પાર્કમાં 26 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તમામ દર્દીઓ હાલ હોમ આઈસોલેશનમાં છે. અને બધાની તબિયત સ્થિર છે. આજ દિવસ સુધીમાં રાજકોટમાં કુલ 11 કેસ સામે આવી ચુક્યા છે. જેમાં 1 દર્દી સંપૂર્ણપણે તંદુરસ્ત થયા છે. જ્યારે 10 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.