
નડિયાદ પાલિકામાં 2014માં થયેલી ભરતી કૌભાંડ ફરી ચર્ચામાં આવ્યું છે. ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવા માટે પાલિકાને સરકારે આદેશ કર્યો હતો છતાં પણ તત્કાલિન સત્તાવાળાઓએ કૌભાંડમાં સામલે બોગસ ભરતી કરીને કર્મચારીને કાયમી કરી દેવાયા હતા. બોગસ ભરતી મામલે પ્રાદેશિક કમિશનરે બોગસ ભરતી મામલે આખરી નિર્ણય લેવા નડિયાદ મહાનગર પાલિકાના કમિશનરને રેકર્ડ સાથે દસ્તાવેજ મોકલ્યાના 18 દિવસ થયા છે તેમ છતાં કાર્યવાહી કરવામાં વિલંબ કરવામાં અવી રહ્યો છે.
નડિયાદ નગરપાલિકામાં વિવિધ પદો પર 2014માં 26 લોકોને ગેરકાયદેસર રીતે રોજમદાર તરીકે ભરતી કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયાના નિયમોનો ભંગ કરીને, તત્કાલિન સત્તાધીશોએ 3200થી વધુ લાયક ઉમેદવારોની અવગણના કરી હતી.
તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે આ ભરતી બોગસ પ્રમાણપત્રો અને બોગસ માર્કશીટોના આધારે થઈ હતી. આ સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ હતી.
ખેડા-નડિયાદના કલેક્ટરે 8 મે, 2018ના રોજ આ ભરતી પ્રક્રિયા ખોટી હોવાનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. આ અહેવાલના આધારે, 3 જુલાઈ,2018ના રોજ નિમણૂકો રદ કરવા અને જવાબદારો સામે ગુનો દાખલ કરવાના આદેશો પણ કરવામાં આવ્યા હતા.
જોકે, આ આદેશોનું પાલન આજદિન સુધી કરવામાં આવ્યું નહોતું. આદેશોની અવગણના કરીને, તત્કાલિન સત્તાધારી પક્ષ દ્વારા વર્ષ 2019માં સામાન્ય સભામાં ઠરાવ નં. 78થી આ કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય લેવાયો હતો.
હવે કૌભાંડમાં સામેલ 26 પૈકી અનેક લોકો રાજકીય આશ્રય ધરાવતા હતા.
તેમને સેનેટરી ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવર સહિતના અત્યંત સ્થાનો પર ગોઠવી દેવાયા હતા તત્કાલિન નગરપાલિકા અને હાલના મનપા તંત્ર દ્વારા તેમને આથક ઉપાર્જન કરી શકે તેવી સુદ્દઢ વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે.
રાજકીય મામકાઓની બોગસ ભરતી હોવાથી, આ પ્રકરણને દબાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં, રાજ્ય સરકારે પ્રાદેશિક કમિશનર મારફતે ધોળકા ચીફ ઓફીસર જતીન મહેતાને પુન તપાસ સોંપી હતી. આ તપાસ અહેવાલમાં પણ ભરતી બોગસ હોવાનું સામે આવ્યું. રાજ્ય સરકારે 23 જૂન, 2025ના રોજ આ પ્રકરણનો આખરી નિર્ણય લેવા માટે નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરને તમામ સાધનિક કાગળો સાથેનો રેકર્ડ મોકલ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે. ત્યારે આજે 18 દિવસે કમિશ્નરે આ અંગે મગનું નામ મરી પાડયુ નથી.