
નવરાત્રિના પવિત્ર તહેવાર બાદ ગુજરાતમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે બહાર પાડેલા પ્રશ્નપત્રો દરેક જિલ્લામાં પહોંચી ગયા છે. જિલ્લામાંથી અલગ અલગ તાલુકા પ્રમાણે અલગ અલગ સંકુલમાં પ્રશ્નપત્રો પહોંચાડવા માટે તાલુકા નુ એક સંકુલ નક્કી કરવામાં આવ્યું છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે નક્કી કરેલા સંકુલમાંથી દરેક શાળાના આચાર્યોએ પોતાની શાળાના પ્રશ્નપત્ર ત્યાંથી લેવાના હોય છે.
40 કરતા વધુ શાળાના આચાર્યો સિંઘાલી શાળાના આચાર્યના ઘરેથી પ્રશ્નપત્રો લીધા
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવતી શાળાના પ્રશ્નપત્રો સિંઘાલી શાળાના સંકુલમાંથી શાળાના આચાર્ય પાસેથી મેળવી લેવાનું વિભાગે તાલુકાની તમામ શાળાના આચાર્યોને સૂચના આપી હતી. જો કે સિંઘાલી શાળાના આચાર્ય આ બધી શાળાના પ્રશ્નપત્રો પોતાના ઘરે લઈ ગયા. તાલુકાની 40 કરતા વધુ શાળાના આચાર્યો સિંઘાલી શાળાના આચાર્યના ઘરેથી પ્રશ્નપત્રો લઈ જતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
આચાર્યએ શિક્ષણ વિભાગને નથી કરી જાણ
જયારે આ અંગે આચાર્યના ઘરમાં તપાસ કરવામાં આવી તો આચાર્ય ઓન કેમેરા કહી રહ્યા છે કે તેમની શાળા આંય આચાર્યોને દૂર પડતી હોવાથી તેઓ ઘરેથી જ અન્ય શાળાના આચાર્યોને પ્રશ્નપત્રોનું વિતરણ કરી રહ્યા છે. તેમણે આ અંગે શિક્ષણ વિભાગને જાણ ન કરી હોવાની વાત પણ સ્વીકારી હતી.
શિક્ષણ વિભાગ આચાર્ય વિરુદ્ધ પગલાં લેશે?
આ અંગે જયારે ખેડા જિલ્લા શિક્ષણાધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઘટના અંગે માહિતી મેળવી રહ્યા છીએ. જો કે આ ઘટના અંગે શિક્ષણ વિભાગ સંપૂર્ણ રીતે અજાણ છે. હવે જોવું રહ્યું કે શિક્ષણ વિભાગ આ આચાર્ય સામે કેવા પગલાં લેશે.