પાકિસ્તાન સામે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ ત્રણ જિલ્લાના આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. સરહદી જિલ્લાના તમામ સ્ટાફને ક્વાર્ટર ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. બ્લડ બેંકમાં લોહીની સુવિધા રાખવી, હોસ્પિટલોમાં બેડની સુવિધા તેમજ મેડિકલ ઇમરજન્સીની તૈયારીઓ રાખવા સૂચના આપી દેવામાં આવી છે. આ બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરાશે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ હાલની તણાવની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ આદરી લીધી છે. મેડિકલ એસોસિએશને તમામ ડોક્ટર, મેડિકલ તથા પેરા મેડીકલ સ્ટાફને સજ્જ રહેવા આદેશ આપ્યો છે. ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ સર્જાય તે પહેલા પૂરતી તૈયારી કરવા સૂચના આપી દેવાઈ છે. DMO, CDHO કે સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને પણ સરકારે આદેશ આપી દીધો છે.
કચ્છમાં યુદ્ધની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા મેડિકલ સ્ટાફ સાથે અને સાધન સામગ્રીથી સજ્જ 108 વાનને પણ કચ્છમાં મોકલી છે. આ સાથે અમદાવાદથી ઇમર્જન્સી 108ની 41 જેટલી ગાડીઓને કચ્છમાં રવાના કરી દેવાઈ છે. વહેલી સવારે 5 કલાકે 41 જેટલી 108 વાન કચ્છ જવા રવાના થઈ ચૂકી છે.
પાકિસ્તાનના નિશાને ભૂજ હોવાથી ભૂજમાં ટ્રેન વ્યવહાર બંધ કર્યો છે. પશ્ચિમ રેલવેએ ભુજમાં વર્તમાન સ્થિતિને કારણે ટ્રેન રદ કરી દીધી છે. નમો ભારત રેપિડ રેલ કેન્સલ કરવામાં આવી છે. ભુજ -અમદાવાદ- ભુજ ટ્રેન પણ રદ કરવામાં આવી છે.