
કચ્છમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં કચ્છ બેલાના રણમાં ગુમ થયેલા ઈજનેરની પાંચમા દિવસે રણમાંથી લાશ મળી આવી છે. ગત તારીખ છ એપ્રિલે રાપર તાલુકાના સરહદી વિસ્તાર બેલા પાસે બીએસએફના રોડના સર્વે માટે ગયેલા ઈજનેરની ટીમ રસ્તો ભૂલી જતાં રણમાં ગુમ થયા હતા. ઈજનેર અર્બનપાલની શોધખોળ છેલ્લા પાંચ દિવસથી પૂર્વ કચ્છ પોલીસની ટીમ સાથે BSF સહિત 125થી વધારે કર્મચારીઓ શોધખોળ કરી રહી હતી.
પોલીસ, બીએસએફ, વન વિભાગ તથા આસપાસના ગામ લોકો શોધમાં જોડાયા હતા
પોલીસ બીએસએફ વન વિભાગ સહિતની ટીમે શોધખોળ આદરી હતી. તેમજ ડ્રોન દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી છતાં ઈજનેરનો પતો લાગ્યો ન હતો. ત્યારે આજે પોલીસ, બીએસએફ, વન વિભાગ તથા આસપાસના ગામ લોકોની શોધખોળથી બેલા નજીકની સુકનાવાંઢના રણ વિસ્તારમાંથી અર્બન પાલનો મૃતદેહ મળી આવ્યો હતો. અર્બનપાલનું મોત કયા સંજોગોમાં થયું તે માટે પોસ્ટમોર્ટમ અર્થે રાપર સીએચસી ખાતે તેમના મૃતદેહને ખસેડવામાં આવ્યો છે.