
અંજારના વરસામેડી ગામના દલિત ખેડૂત પરિવારને જમીન સંપાદન પેટે મળેલા 11 કરોડ રૂપિયા છેતરપિંડીપૂર્વક ચૂંટણી બોન્ડમાં જમા કરાવવાના પ્રકરણમાં અંજારની ખાસ કૉર્ટે ફરિયાદ દાખલ કરીને પોલીસ તપાસનો હુકમ કર્યો છે.મહત્ત્વપૂર્ણ છે કે સુપ્રીમ કૉર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ગણાવી તેને નાબૂદ કરી બોન્ડ પેટે કોણે કોણે નાણાં જમા કરાવેલાં અને તે નાણાં કયા કયા રાજકીય પક્ષોને જમા થયેલાં તે અંગેની વિગતો જાહેર કરાવ્યાં બાદ આ કૌભાંડ બહાર આવ્યું હતું.
શું છે ઘટના?
કચ્છ જિલ્લાના અંજારના વરસામેડી ગામના ખેડૂત સવાભાઇ મણવરે 11 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યાનો ખુલાસો થયો હતો. સામાન્ય ખેડૂતે 11 કરોડના બોન્ડ ભાજપને દાન કર્યાની માહિતી સામે આવતા વિવાદ ઉભો થયો હતો.
અંજારના વરસામેડી ગામના ખેડૂતની જમીન વેલ્સપન કંપનીની બાજુમાં આવેલી છે. જમીન સંપાદન પેટે જે રકમ મળી હતી તે બેન્કમાં જમા કરાવ્યા બાદ કહેવામાં આવ્યું કે આટલી મોટી રકમ બેન્કમાં રાખશો તો ITની નોટીસ મળી શકે છે. જો તમે ઇલેક્ટોરલ બોન્ડમાં રોકાણ કરશો તો દોઢ ગણા પૈસા મળશે.
તે બાદ એક જ દિવસમાં સવા મણવર અને તેમના પરિવારના 5 સભ્યોના નામે 120થી પણ વધુ ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર કરતા 10 કરોડ રૂપિયાના બોન્ડ ભારતીય જનતા પાર્ટી (BJP)એ વટાવી લીધા હતા અને એક કરોડ 14 હજાર રૂપિયાના બોન્ડ શિવસેનાએ વટાવ્યા હોવાનું સામે આવ્યું હતું.
ત્રણ મહિના પછી મણવર પરિવારને ઇલેક્ટોરલ બોન્ડની હકીકત ખબર પડી હતી.મહેન્દ્રસિંહ સોઢાએ પણ યોગ્ય જવાબ ના આપતા પરિવારે કાયદાકીય રીતે લડવાનું નક્કી કર્યું હતું.પોલીસે પણ યોગ્ય જવાબ ના આપતા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. કોર્ટે હવે ઇલેક્ટોરલ બોન્ડ કેસમાં પોલીસને ફરિયાદ નોંધી યોગ્ય તપાસ કરવાનો આદેશ કર્યો છે.