
Mahisagar news: મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે રોડ પર ઠેર-ઠેર ખાડા પડી જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેથી બાલાસિનોરના વડદલા ગામના લોકોએ નેશનલ હાઈવે ઓથોરિટીને અનેકવાર રજૂઆત કરવા છતાં રસ્તા પરના ખાડા નહોતા પૂર્યા જેથી આખરે સ્થાનિકો રોષમાં આવીને બાલાસિનોરથી અમદાવાદ જતા રસ્તા પર લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ પોલીસે ઘટનાસ્થળે આવી રસ્તાને ખુલ્લો કરાવી દીધો હતો. આમ છતાં ગ્રામજનોએ નેશનલ ઓથોરિટીને 10 દિવસમાં ખાડા નહિ પુરાય તો ફરી મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
મળતી માહિતી અનુસાર, મહીસાગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં એક પખવાડિયા કરતાં પણ વધુ સમયથી ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચુકયું છે. જો કે, મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાના વડદલા ગામને જોડતા નેશનલ હાઈવે પર ઠેર-ઠેર ખાડા પડી જતા વાહનસવાર અને ગ્રામજનોને ભારે તકલીફ વેઠવાની નોબત આવી હતી. જેથી ગ્રામજનોએ એકઠા થઈને નેશનલ ઓથોરિટીને અનેકવાર રજૂઆત કરી કે, રોડ પર બહુ ખાડા પડયા છે અને વહેલીતકે દૂર કરવામાં આવે તો ગ્રામજનો અને વાહનચાલકો માટે રાહત થાય પરંતુ નેશનલ ઓથોરિટીએ આ અંગેની રજૂઆત પર કોઈ કાર્યવાહી નહોતી કરી આ ઉપરાંત વડદલા ગ્રામ પંચાયત પાસે 10 દિવસમાં 2 આશાસ્પદ યુવકના મોત થતા ગ્રામજનો રોષમાં ભરાયા હતા. જેથી આખરે વડદલા ગ્રામજનોએ એકઠા થઈને બાલાસિનોરથી અમદાવાદ જતા રોડ પર બેસીને ચકકાજામ કરી રોષ ઠાલવ્યો હતો. અડધો કલાક સુધી રસ્તો રોકતા નેશનલ હાઈવે ઉપર ગાડીઓની લાબી કરતો જોવા મળી. આ દરમ્યાન પૂર્વ ધારાસભ્યના પુત્ર પાર્થ પાઠક સહિત સ્થાનિક અગ્રણીઓ રસ્તા રોકો આંદોલનમાં જોડાયા હતા.હાઈવે પર ભારે ટ્રાફિક જામ થવાની જાણ થતા આખરે બાલાસિનોર પોલીસ દ્વારા રસ્તા પર બેઠેલા ગ્રામજનોને હટાવી રસ્તો ખોલવામાં આવ્યો હતો. જો કે, છેલ્લે નેશનલ હાઇવે ઓથોરિટી 10 દિવસમાં ખાડા પૂરે નહીં તો ફરી મોટા આંદોલનની ધમકી ગ્રામજનોએ આપી હતી.