
Mahisagar News : ગુજરાતમાં ધીમે ધીમે ડ્રગ્સનું દુષણ ફેલાઈ રહ્યું છે. બે દિવસ પહેલા અમદાવાદ અને ભાવનગરમાંથી કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું હતું, તો આજે મહીસાગરના સંતરામપુરમાં પોલીસે MD ડ્રગ્સ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યાં છે.
સંતરામપુર પોલીસ રાત્રિ દરમિયાન વાકાનાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે મધ્યપ્રદેશ પારસિંગની સ્વીફ્ટ કાર આવતા તેની તપાસ હાથ ધરતા કારમાં બેસેલા શખ્સો પાસેથી MD ડ્રગ્સ ઝડપાયું હતું. પહેલા પૂછપરછ કરતા તેમણે દવા હોવાનું જણાવ્યું હતું, જો કે શંકા જાણતા પોલીસ દ્વારા તે વાઇટ કલરના પાઉડરનું ટેસ્ટિંગ કરવામાં આવતા ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું.
કારમાં એજાજ અહેમદ ખાન પઠાણ, કૈલાશ ચંદ્ર ગોપાલલાલ પરમાર, દીપકભાઈ રાધેશ્યામ ઝાડવાલ અને ઝાકીર હુસેન મકરાણી નામમાં શખ્સો સવાર હતા, તેમની પાસેથી 44.630 ગ્રામનું MD ડ્રગ્સ તેમજ કાર સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ડ્રગ્સ કોઈ લેબમાં બનાવવામાં આવ્યું છે કે કેમ, આ શખ્સોએ કોની પાસેથી આ ડ્રગ્સ મેળવ્યું છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.