Home / Gujarat / Mehsana : armed conflict between two groups in Kadi

MEHSANA : કડીમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, ગુજસીટોકના આરોપી હનીફ જાડીએ મહિલાની હત્યાનો કર્યો પ્રયાસ

MEHSANA : કડીમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, ગુજસીટોકના આરોપી હનીફ જાડીએ મહિલાની હત્યાનો કર્યો પ્રયાસ

Mahesana News : મહેસાણા જિલ્લાના કડી શહેરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ છે, જેમાં એક જૂથમાં ગુજસીટોકનો કુખ્યાત  આરોપી હનીફ જાડી સામેલ હતો. આ જૂથ અથડામણ દરમિયાન હનીફ જાડીએ એક મહિલા પર કાર ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તો એક પુરુષ પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો હતો. 

કડીના સહારા ગેસ્ટ હાઉસ નજીક રાત્રે બની ઘટના 

કડી શહેરમાં સહારા ગેસ્ટ હાઉસ નજીક કસાઈવાડામાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી. જેમાં ગુજસીટોકના કુખ્યાત આરોપી હનીફ જાડી સહીત 9 લોકોએ ગેરકાયદેસર મંડળી રચીને એકસંપ થઈને બીજા જૂથ પર કાચની બોટલો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ અથડામણમાં હનીફ જાડીએ  પોતાની ઇનોવા કાર ફૂલ સ્પીડે દોડાવી એક મહિલાને ટક્કર મારી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો.  તો એક પુરુષ પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. 

બે જૂથના કુલ 24 શખ્સો વિરુદ્ધ નોંધાયો ગુનો 

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી.  જૂથ અથડામણમાં હનીફ જાડી સહિત તેના જૂથના 9 શખ્સો ઉપરાંત સામેના જૂથના 15 શખ્સો એમ કુલ 24 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.  કડી પોલીસે સમગ્ર મામલે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

મહેસાણા સહિત 7 જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધ છતાં કડીમાં હનીફ જાડીનો આતંક 

ગુજસીટોકના ગુનામાં હનીફ જાડી 2 વર્ષ જેલમાં રહ્યા બાદ ગત ડિસેમ્બર મહિનામાં જામીન પર છૂટ્યો હતો.  થોડા દિવસ અગાઉ હનીફ જાડી પર અપહરણની ફરિયાદ નોંધાઇ હતી.  મહેસાણા સહિત 7 જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધ છતાં કડીમાં હનીફ જાડીનો આતંક જોવા મળ્યો છે. ગુજસીટોકના ગુનામાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આ કુખ્યાત આરોપી હનીફ જાડીએ જામીનની શરતોનો ભંગ કર્યો હોવાથી પોલીસે એ દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.